લંડનઃ ભારતના હરિયાણા અને પંજાબમાં સક્રિય ગેંગસ્ટરોની લડાઇ હવે ઇંગ્લેન્ડ સુધી પહોંચી ગઇ છે. અહીં પણ તેમણે પોતાની પ્રતિસ્પર્ધી ગેંગના સભ્યોને લક્ષ્યાંક બનાવવાનું શરૂ કરી દીધું છે. ગેંગસ્ટર કૌશલ ચૌધરીની બબીહા ગેંગ દ્વારા લોરેન્સ બિશ્નોઇની ગેંગના નિકટના મનાતા બિઝનેસમેન અમન બનવૈતના બ્રિટન સ્થિત નિવાસસ્થાન પર હુમલો કરાયો હતો અને ઘરની બહાર પાર્ક કરાયેલી લક્ઝરી કારોને આગ ચાંપી સોશિયલ મીડિયા પર તેની જવાબદારી લેવામાં આવી હતી. અમન બનવૈત પંજાબના લુધિયાણાનો વતની છે.
હરિયાણાના ગુરુગ્રામનો ગેંગસ્ટર કૌશલ ચૌધરી પંજાબની બબીહા ગેંગ સાથે સંકળાયેલો છે. આ હુમલો ગયા સોમવારની રાત્રે કરાયો હતો. થોડા દિવસ પહેલા કેનેડાના સિંગર અમૃતપાલ સિંહ ધિલ્લોનના નિવાસસ્થાની બહાર લોરેન્સ બિશ્નોઇ ગેંગના ગુંડાઓ દ્વારા ફાયરિંગ કરાયું હતું.
અમન બનવૈત વ્હિટલી ક્રેસેન્ટમાં રહે છે. અહીંની પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. કૌશલ ચૌધરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઇંગ્લેન્ડના અમન બનવૈતના ઘરની બહાર કૌશલ ચૌધરીની ગેંગ દ્વારા કારોની આગચંપી કરાઇ હતી. જે કોઇ અમારી વિરોધી ગેંગ સાથે મળેલો હશે તે ભારતમાં હશે કે ભારતની બહાર અમે છોડીશું નહીં.


