ભારતની જનતાએ હંમેશા મહારાણીને પ્રેમથી આવકાર્યાં

ગુલામી અને વિભાજનની પીડા છતાં ભારતે મહારાણીને ક્યારેય ધિક્કાર્યા નથી

Wednesday 14th September 2022 04:54 EDT
 
 

લંડન

બ્રિટિશ સામ્રાજ્યના જ્વેલ ગણાતા ભારતમાં મહારાણીના નિધન પર મિશ્ર પ્રતિઘાતો મળી રહ્યાં છે. 200 વર્ષ સુધી અંગ્રેજોએ ભારત પર શાસન કર્યું, તેમના દ્વારા ભારતીય પ્રજા પર ઘણા અત્યાચારો ગુજારવામાં આવ્યા. અંગ્રેજોએ દેશ છોડતાં પહેલાં દેશના બે ટુકડા કરીને સૌથી વધુ પીડા આપી તેમ છતાં ભારતીય જનતામાં બ્રિટનના મહારાણી પ્રત્યે કોઇ ઉણો ભાવ નહોતો. ભારત આઝાદ થયાના પાંચ વર્ષ બાદ મહારાણી એલિઝાબેથ બીજા બ્રિટનની રાજગાદી પર બેઠાં હતાં. નિષ્ણાતો કહે છે કે ભારતનો આધુનિક ઇતિહાસ ઇચ્છતા ન હોવા છતાં બ્રિટિશ શાસનના ભૂતકાળ સાથે જોડાયેલો છે. ભારતના અગ્રણી ઇતિહાસકાર મૃદુલા મુખરજી કહે છે કે ભારત આઝાદ થયો ત્યાર પછીના પહેલા જ દાયકાથી મહારાણીનું ભારતમાં ઉષ્માસભર સ્વાગત કરાતું રહ્યું હતું. સ્વતંત્ર થયા પછી ભારત કોમનવેલ્થ દેશોના સંગઠનમાં પણ જોડાયો. ભારતની જનતાને ફક્ત બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવવામાં રસ હતો નહીં કે બ્રિટિશ પ્રજાને ધિક્કારવામાં. તેના કારણે જ ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ બ્રિટિશ રાજવીને ભારતમાં ઉમળકાથી આવકારવામાં આવતા હતા. તમામ પ્રકારના અત્યાચારો, વિભાજનની પીડા છતાં ભારતમાં બ્રિટિશ મહારાણીને ક્યારેય ધિક્કારવામાં આવ્યા નહોતાં.

પોલિટિકલ એનાલિસ્ટ મનિષા પ્રિયમ કહે છે કે વર્ષો વીતવાની સાથે ભારત પોતાને બ્રિટનના પ્રભાવથી દૂર કરતો રહ્યો પરંતુ મહારાણીએ ઉદાર દિલથી ભારતના આ વલણનો સ્વીકાર કર્યો અને જ્યારે પણ આમંત્રણ અપાયું ત્યારે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ હંમેશા ભારતની વિવિધતાની પ્રશંસા કરતા રહ્યા હતા. મહારાણીએ રાજકીય પરિવર્તનોને ઉદારતાથી સ્વીકાર્યા તેથી જ આજે ભારત તેમના નિધન પર શોક પાળી રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર ઐયર કહે છે કે મહારાણી બદલાવના તોફાની સાગરમાં પણ સાતત્યના પ્રતીકસમાન હતા. વિશ્વમાં બ્રિટનના ઘટતા જતા પ્રભાવને સ્વીકારવામાં પણ તેમણે નેતૃત્વ આપ્યું અને ખુબ જ ધીરજ સાથે તેમણે આ બદલાવોને સ્વીકાર્યાં.

ક્વીન એલિઝાબેથ બીજાના ભારતીય મહેમાનો

-     1963માં રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન

-     1990માં રાષ્ટ્રપતિ આર વેંકટરમણ

-     2009માં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ

-     2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

-     2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ક્વીન એલિઝાબેથ બીજાના ફેવરિટ ભારતીય લેખકો

  1. આર કે નારાયણન
  2. અરૂંધતી રોય
  3. વી એસ નાયપોલ
  4. કમલા માર્કંડેય
  5. રાજકમલ ઝા

મહારાણીના લગ્ન સમયે હૈદરાબાદના નિઝામે હીરાનો મુગટ ભેટ આપ્યો હતો

20 નવેમ્બર 1947ના રોજ પ્રિન્સેસ એલિઝાબેથ અને લે. ફિલિપ માઉન્ટબેટન લગ્નગ્રંથિથી જોડાયાં એ પ્રસંગે હૈદરાબાદના નિઝામે તેમને હસ્તકારીગરો દ્વારા તૈયાર કરાયેલો હીરાનો મુગટ ભેટમાં આપ્યો હતો. હાલ તેમના આ મુગટમાં વિશ્વ પ્રસિદ્ધ કોહીનૂર હીરો પણ જડેલો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter