ભારતનું આર્થિક સ્વપ્ન સાકાર થવા તરફ અગ્રેસર

ભારતની બેન્કિંગ સિસ્ટમની રોકાણકારોના હિતો સાથે આગેકૂચ, વિશ્વની સાતમા ક્રમની લેન્ડર બનેલી એચડીએફસીના નફામાં 30 ટકાનો તોતિંગ વધારો

Tuesday 18th July 2023 14:59 EDT
 
 

લંડનઃ ભારતનું આર્થિક સ્વપ્ન વાસ્તવિકતા તરફ આગળ વધી રહ્યું છે. કોરોના મહામારીના લોકડાઉન બાદ ચીનમાં આર્થિક વિકાસ મૂર્તિમંત થવામાં નિષ્ફળ રહ્યો છે. ચીનમાં મૂડીરોકાણ પણ ઘટી રહ્યું છે. પરંતુ એચડીએફસી બેન્ક દ્વારા અપાયેલી માહિતી પ્રમાણે ભારતની બેંકિંગ સિસ્ટમ રોકાણકારોના હિતો સાથે વૃદ્ધિ પામી રહી છે. વિશ્વની સાતમા ક્રમની સૌથી મોટી લેન્ડર બેન્કના નફામાં 30 ટકાનો વધારો થયો છે. એચડીએફસીના શેર પણ ગરજી રહ્યાં છે જે આત્મવિશ્વાસની પ્રતિતી કરાવે છે.

અમેરિકા અને યુરોપની બેન્કો આર્થિક અંધાધૂંધીનો સામનો કરી રહી છે પરંતુ ભારતીય બેન્કો આ અંધાધૂંધીને માત આપવામાં સફળ રહી છે. ભારતની રિઝર્વ બેન્ક તેની આંતરરાષ્ટ્રીય સમકક્ષો કરતાં અલગ જ ચીલો ચાતરી રહી છે. ભારતની સરકારી માલિકીની બેન્કોની સમસ્યાઓમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. જેના કારણે એચડીએફસી જેવી પ્રાઇવેટ સેક્ટરની બેન્કો પોતાને ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર્સ તરીકે સજ્જ કરી રહી છે જે દેશના અર્થતંત્રના વિકાસને વેગ આપવામાં મદદ કરી શકે છે.

ભારતનું અર્થતંત્ર હતાશ કરનારા તેજીના તોખારનો ઇતિહાસ ધરાવે છે પરંતુ દેશના સામાજિકઅને સંસ્થાગત પડકારો છતાં પ્રાઇવેટ સેક્ટર વિકાસ કરી રહ્યું છે. તાજેતરમાં જ મુંબઇ સ્થિત એચડીએફસી બેન્ક અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સિંગ કોર્પોરેશનનું મર્જર કરાયું હતું. જેના પગલે એચડીએફસી 150 બિલિયન અમેરિકન ડોલરની માર્કેટ વેલ્યૂ સાથે ભારતની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટરની લેન્ડર બની ગઇ છે. બેન્કે ગયા વર્ષે નવી 1500 શાખા ખોલી હતી જેના કારણે તેની કુલ શાખા 6000 પર પહોંચી છે. એચડીએફસી આગામી 4 વર્ષમાં શાખાઓની સંખ્યા બમણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

એચડીએફસી બેન્કનો નફો 1.5 બિલિયન ડોલર પર પહોંચ્યો

મુંબઇ સ્થિત લેન્ડર એચડીએફસી બેન્કનો નેટ નફો જૂન 30ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકમાં વધીને 1.5 બિલિયન ડોલર પર પહોંચી ગયો છે. જે ગયા વર્ષના આજ સમયગાળાની સરખામણીમાં 30 ટકાનો વધારો દર્શાવે છે. લેન્ડરની બેડ લોન નિયંત્રણમાં રહી છે અને નેટ ઇન્ટરેસ્ટ ઇનકમમાં વધારો થયો છે. ભારતના અર્થતંત્રના વેગના કારણે એચડીએફસીને પણ ઘણો લાભ થઇ રહ્યો છે. આઇએમએફના અંદાજ પ્રમાણે અમેરિકા અને ચીનને પાછળ રાખીને ભારતીય અર્થતંત્ર આ વર્ષે 5.9 ટકાનો વિકાસદર નોંધાવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter