ભારતનું બંધારણ 140 કરોડ ભારતીયોનું પ્રતિનિધિત્વ કરે છે – દોરાઇસ્વામી

ભારતીય હાઇ કમિશન દ્વારા 74મા પ્રજાસત્તાક દિવસની રંગારંગ ઉજવણી કરાઇ, બ્રિટિશ ભારતીયોના લિવિંગ બ્રિજના કારણે યુકે અને ભારત વચ્ચે મજબૂત સંબંધો – લોર્ડ એહમદ

Wednesday 01st February 2023 05:45 EST
 
 

લંડન

ભારતીય હાઇ કમિશન દ્વારા લંડનના ગિલ્ડહોલ ખાતે ભારતના 74મા પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ ઉજવણી સમારોહમાં નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે આયોજિત પરેડના દ્રશ્યો ઉપરાંત સંગીત અને નૃત્યની પ્રસ્તુતિ કરાઇ હતી. આ પ્રસંગે હાજર રહેલા બ્રિટિશ સાંસદો, સામુદાયિક અગ્રણીઓ, રાજદ્વારીઓ, ઉદ્યોગ સાહસિકો અને ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતાં ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામીએ 73 વર્ષ પહેલાં લાગુ કરાયેલા ભારતીય બંધારણને સાચા અર્થમાં નોંધપાત્ર દસ્તાવેજ ગણાવ્યું હતું.

દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, બંધારણની વ્યાખ્યા ન કેવળ લાગણીઓને વાચા આપે છે પરંતુ ભારતનું બંધારણ 140 કરોડ લોકોને રજૂ કરે છે. ભારતનું બંધારણ મુક્ત રાષ્ટ્ર, મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરવા, ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા જેવા ભારતીયોએ પોતાને જ આપેલા વચનોનું પાલન કરે છે. ભારતનું બંધારણ પેઢીઓથી ભારતીયોને જાગૃત કરતું રહ્યું છે.

ભારત અને યુકે વચ્ચેના સંબંધો પર દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, બ્રિટિશ ભારતીય સમુદાય બંને દેશ વચ્ચે લિવિંગ બ્રિજનું કામ કરી રહ્યો છે. યુકે જેવા મિત્રદેશો સાથેની વૈશ્વિક ભાગીદારીઓના કારણે ભારત વિકાસ કરી રહ્યો છે. બ્રિટિશ લોકો સાથે આપણી ઇતિહાસ, મૂલ્યો, સંસ્કૃતિ, વેપાર અને મૂડીરોકાણમાં અનોખી ભાગીદારી રહી છે. બ્રિટિશ ઇન્ડસ્ટ્રી, હેલ્થકેર, સ્પોર્ટ, પોલિટિક્સમાં ભારતીય મૂળના બ્રિટિશરોનું અનોખું યોગદાન છે.

તેમણે જણાવ્યું હતું કે, આજે ભારતીય કંપનીઓ યુકેમાં મૂડીરોકાણ કરનારી બીજા ક્રમની સૌથી મોટી ઇન્વેસ્ટર્સ છે ત્યારે અમે યુકે સાથે મુક્ત વેપાર કરાર કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યો છે ત્યારે આ વર્ષ અત્યંત મહત્વનું છે.

આ પ્રસંગે બ્રિટન સરકારના પ્રતિનિધઇ તરીકે હાજર રહેલા યુકે ફોરેન ઓફિસ મિનિસ્ટર લોર્ડ તારિક એહમદે જણાવ્યું હતું કે, યુકે અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો ભારતીય સમુદાયના લિવિંગ બ્રિજના કારણે છે. અમે ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને આવકારીએ છીએ. મને આશા છે કે જી-20 ખાતે ભારતની અધ્યક્ષતા અંતર્ગત આપણે ન કેવળ બંને દેશના પરંતુ સમગ્ર વિશ્વના લાભ માટે વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરી શકીશું. ભારત અને યુકે વચ્ચેની ભાગીદારી તેમને સમગ્ર વિશ્વમાં મજબૂત બનાવશે.

આ પ્રસંગે ગુરખા બ્રિગેડ દ્વારા ભારત અને યુકેના રાષ્ટ્રગીતની પ્રસ્તુતિ કરાઇ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતીય લોકનૃત્યો અને બોલીવૂડ ડાન્સ સ્કૂલ યુકે દ્વારા બેલે અને જાઝની પ્રસ્તુતિ કરાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter