ભારતને $૧ બિલિ.ની વિશ્વબેન્કની ‘ગ્રીન લોન’ને બ્રિટનનું સમર્થન

Wednesday 03rd November 2021 06:34 EDT
 
 

ગ્લાસગોઃ ભારતને ગ્રીન પ્રોજેક્ટ્સ માટે વિશ્વ બેન્ક દ્વારા અપાનારી વધારાની ૧ બિલિયન ડોલર (૭૩૦ મિલિયન પાઉન્ડ)ની લોનને બ્રિટને ગેરન્ટી સાથે મજબૂત સમર્થન આપ્યું છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને COP26 શિખર પરિષદમાં આની જાહેરાત કરી હતી. આ સમજૂતીથી ભારતમાં ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ સાંપડશે. યુકે દ્વારા ભારતને આ સૌથી મોટી નાણાકીય ઓફર છે.

ભારતના ચીફ ઈકોનોમિક એડવાઈઝર કે.વી. સુબ્રમનીયમને દાવો કર્યો હતો કે વિશ્વના સમૃદ્ધ દેશોએ વિકાસશીલ દેશોને ક્લાઈમેટ ચેન્જ સામે લડવામાં મદદ કરવા ૧૦૦ બિલિયન ડોલર (૭૩ બિલિયન પાઉન્ડ)થી વધુ સહાય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવી જોઈએ. ઉલ્લેખનીય છે કે વધી રહેલા વૈશ્વિક તાપમાન સામે લડવામાં વાર્ષિક ૧૦૦ બિલિયન ડોલર ખર્ચવા ૨૦૦૯માં ખાતરી ઉચ્ચારાઈ હતી તેના સંદર્ભમાં ભારતીય અર્થશાસ્ત્રીએ આમ જણાવ્યું હતું.

મોદી અને જ્હોન્સન વચ્ચે મંત્રણા

COP26 વર્લ્ડ લીડર્સ સમિટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાન મોદીએ શિખર પરિષદના સફળ આયોજન માટે જ્હોન્સનને અભિનંદન પાઠવવા સાથે ક્લાઈમેટ ચેન્જ તેમજ સાનુકુળ વાતાવરણ માટે તેમના વૈશ્વિક અભિગમની પ્રશંસા કરી હતી.

તેઓએ ISA અને CDRI અંતર્ગત સંયુક્ત મુદ્દાઓ સહિત ક્લાઈમેટ ફાયનાન્સ, ટેક્નોલોજી અને ગ્રીન હાઈડ્રોજન તેમજ સ્વચ્છ પ્રોદ્યોગિકીકરણના ક્ષેત્રે બ્રિટનની સાથે મળીને કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતાને પુનઃ વ્યક્ત કરી હતી.

બંને નેતાઓએ ૨૦૩૦ના રોડમેપ તેમજ વેપાર અને અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રોમાં પ્રાથમિક કાર્યો અંગેની સમીક્ષા કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter