લંડનઃ ટોરી સાંસદોના વિરોધ છતાં બ્રિટને ગયા વર્ષે ભારતને ૨૭૯ મિલિયન પાઉન્ડની નાણાકીય સહાય સહિત કુલ ૧૧.૭ બિલિયન પાઉન્ડ વિદેશી સહાય પાછળ ખર્ચ્યા હતા. ગયા વર્ષે મિનિસ્ટર્સે નાણાસહાય બંધ કરવાની ખાતરી આપી હતી. વધુ ૧૦ મિલિયન પાઉન્ડની સહાય સાથે બ્રિટિશ સહાય મેળવવામાં ભારતનો ક્રમ બીજો રહ્યો હતો. ભારતને સિએરા લિયોન, સાઉથ સુદાન અને સીરિયા કરતા વધુ સહાય મળી છે. બ્રિટનના કુલ વિદેશી સહાય ખર્ચમાં ૩૦૨ મિલિયન પાઉન્ડનો વધારો થયો છે.
કેટલાંક ટોરી સાંસદોએ વિશ્વમાં સૌથી ઝડપી વૃદ્ધિ કરતા ભારતીય અર્થતંત્રને નાણાસહાય કરવી હાસ્યાસ્પદ ગણાવી હતી. ભારત પોતાનો અવકાશી કાર્યક્રમ ધરાવે છે અને તેણે નવા યુદ્ધજહાજો અને સબમરિન્સના કાફલા પાછળ ૧૦ બિલિયન પાઉન્ડથી વધુ ખર્ચની યોજના જાહેર કરી છે.