લંડનઃ હિન્દુજા ગ્રુપના ચેરમેન ગોપીચંદ પી હિન્દુજાનું લંડનની હોસ્પિટલમાં 4 નવેમ્બર મંગળવારના રોજ 85 વર્ષની વયે નિધન થયું હતું. 4 ભાઇઓમાં તેઓ બીજા ક્રમે હતા. સૌથી મોટાભાઇ શ્રીચંદ હિન્દુજાનું નિધન વર્ષ 2023માં થયું હતું. ગોપીચંદ ભાઇઓ પ્રકાશ અને અશોક, પત્ની સુનિતા, પુત્રો સંજય અને ધીરજ તથા પુત્રી રીટા સહિત બહોળો પરિવાર મૂકી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા છે.
ગોપીચંદ હિન્દુજાનો જન્મ 29 જાન્યુઆરી 1940ના રોજ પરમાનંદ અને જમુના હિન્દુજાના પરિવારમાં થયો હતો. તેમણે 1959માં મુંબઇની જય હિન્દ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી હાંસલ કરી હતી. તેમને વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ લો અને રિચમન્ડ કોલેજ દ્વારા ડોક્ટર ઓફ ઇકોનોમિક્સની માનદ ડિગ્રીઓ પણ એનાયત કરાઇ હતી.
બિઝનેસ સર્કલમાં જીપી તરીકે ઓળખાતા ગોપીચંદ અને તેમના ભાઇઓએ પિતાના બિઝનેસનું વિસ્તરણ કરી વિશ્વમાં અલગ નામના હાંસલ કરી હતી. હિન્દુજા પરિવાર યુકેનો સૌથી અમીર પરિવાર ગણાય છે અને પરિવારની કુલ સંપત્તિ 37 બિલિયન પાઉન્ડ અંદાજવામાં આવે છે.
હાલ હિન્દુજા ગ્રુપ ઓટોમોટિવ, બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, હેલ્થકેર, રિઅલ એસ્ટેટ, પાવર, મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સહિતના 11 સેક્ટરમાં બિઝનેસ કરી રહ્યું છે. મોટાભાઇ શ્રીચંદ હિન્દુજાના નિધન બાદ ગોપીચંદે હિન્દુજા ગ્રુપનું સુકાન સંભાળ્યું હતું. જીપી તરીકે જાણીતા ગોપીચંદ 1959માં પિતાના ભારતના મુંબઇ અને ઇરાનમાં તહેરાન ખાતે ચાલતા ટેક્સટાઇલ્સ અને ટ્રેડિંગના બિઝનેસમાં જોડાયા હતા. આજે હિન્દુજા ગ્રુપ 20 બિલિયન અમેરિકન ડોલરનું મહાકાય ગ્રુપ બની ચૂક્યું છે.
ગોપીચંદ હિન્દુજાએ બિઝનેસને આગળ ધપાવવા મહત્વના નિર્ણય લીધા હતા જેમાં 1984માં તેમણે ગલ્ફ ઓઇલ કંપની એક્વાયર કરી ગ્લોબલ એનર્જી માર્કેટમાં એન્ટ્રી કરી હતી. 1987માં હિન્દુજા ગ્રુપ દ્વારા ભારતની સૌથી મોટી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક કંપની અશોક લેલેન્ડ હસ્તગત કરાઇ હતી.
હિન્દુજા ગ્રુપનો પ્રારંભ પરમાનંદ દીપચંદ હિન્દુજા દ્વારા ઇરાનથી કરાયો હતો. 1979માં હિન્દુજા ગ્રુપે લંડનને પોતાનો બેઝ બનાવ્યું હતું. આજે હિન્દુજા ગ્રુપ વિશ્વભરમાં 2 લાખથી વધુ લોકોને રોજગાર આપી રહ્યું છે.
ગોપીચંદ હિન્દુજા ન કેવળ મલ્ટી મિલિયન ડોલરનું બિઝનેસ એમ્પાયર પાછળ છોડી ગયાં છે પરંતુ ગ્લોબલ ડીલમેકિંગહ, સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન અને ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રીયલ સક્સેસ સ્ટોરીઝ પૈકીની એક વારસામાં મૂકી ગયાં છે.


