ભારતને ઘરેલુ કચરાની નિકાસ બદલ યુકેની વેસ્ટ ફર્મને £૧.૫ મિલિયન દંડ

Wednesday 04th August 2021 04:39 EDT
 
 

લંડનઃ યુકેની સૌથી મોટી વેસ્ટ કંપની Biffa –બીફાને ભારત અને ઈન્ડોનેશિયામાં રિસાઈકલિંગ માટે વેસ્ટ પેપરના નામે નકામા ઘરેલુ કચરાની નિકાસ કરવા બદલ ૧.૫ મિલિયન પાઉન્ડનો દંડ કરાયો છે. વિકાસશીલ દેશોને આવા કચરાની નિકાસ કરવા પર પ્રતિબંધનો ભંગ કરી કંપનીએ ૧,૦૦૦ ટનથી વધુ કચરાની નિકાસ કરી હતી. જેનો કેસ વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટમાં ચાલ્યો હતો. જજ શેન કોલેરી QCએ કંપનીના કાર્યને બેજવાબદાર અને ઈરાદાપૂર્વકનું ગણાવ્યું હતું. બિન OECD દેશમાં ઘરેલુ કચરાની નિકાસ કરવા બદલ કંપનીને બે વર્ષમાં બીજી વખત દંડ કરાયો છે.

નોર્થ લંડનના એડમોન્ટનની બીફાની રિસાઈકલિંગ ફેસિલિટીમાં ૨૦૧૮ અને ૨૦૧૯ના ગાળામાં આશરે ૫૦,૦૦૦ ટીન્સ-ડબલાં, ૪૦, ૦૦૦ પ્લાસ્ટિક બેગ્સ, કપડાની ૨૫,૦૦૦ આઈટમ્સ, ૩,૦૦૦ બાળોતિયાં તેમજ ફ્રાઈંગ પેન્સ, કોન્ડોમ્સ અને સોવેનિયર ન્યૂ યોર્ક ટી શર્ટ સહિતની ચીજવસ્તુઓનું એશિયામાં વેસ્ટ પેપર તરીકે નિકાસ કરવા પેકિંગ કરાયું હતું. તપાસકારોએ સાઉધમ્પ્ટન પોર્ટ ખાતે તદ્દન ખરાબ અને એસિડિક દુર્ગંધ આવતી હોવાથી ૨૫ ટનના ૧૬ કન્ટેઈનર્સ અટકાવી દીધા હતા પરંતુ, અન્ય ૨૬ કન્ટેઈનર તો પોર્ટથી રવાના થઈ ગયાં હતાં.

વૂડ ગ્રીન ક્રાઉન કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે બીફાએ કોઈ પશ્ચાતાપ દર્શાવ્યો નથી. વર્તમાન ટ્રાયલમાં જ્યૂરીના સભ્યોને જણાવાયું હતું કે ભારત અથવા ઈન્ડોનેશિયાને સંયુક્તપણે ઘરેલુ કચરાની નિકાસ કરવા કંપનીએ માસિક ૩૯,૫૦૦ પાઉન્ડના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. ૧.૫ મિલિયન પાઉન્ડના દંડ ઉપરાંત બીફાને ૫૩,૮૨૭ પાઉન્ડની કોસ્ટ અને ૩૮,૩૮૮ પાઉન્ડની ક્રાઈમ પ્રોસીડ્સ ચૂકવવા આદેશ કરાયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૯માં પણ કંપનીને મે-જૂન ૨૦૧૫ના ગાળામાં ચીનમાં વેસ્ટ પેપરના નામે ઘરેલુ કચરાની નિકાસ કરવા બદલ ૩૫૦,૦૦૦ પાઉન્ડના દંડ ઉપરાંત ૨૪૦,૦૦૦ પાઉન્ડની કોસ્ટ અને ૯,૯૧૨ પાઉન્ડની ક્રાઈમ પ્રોસીડ્સ ચૂકવવા આદેશ કરાયો હતો.

એન્વિરોન્મેન્ટ એજન્સી વતી દલીલ કરતા શૈલેશ મહેતાએ જ્યૂરીને જણાવ્યું હતું કે,‘ આપણી પોલ્યુશન સમસ્યાઓને ભારત અને ઈન્ડોનેશિયા જેવા દેશો પર નહિ લાદવાની આપણી નૈતિક અને કાનૂની જવાબદારી બને છે.’ ધ બીફા ગ્રૂપ વાર્ષિક ૧ બિલિયન પાઉન્ડથી વધુનું ટર્નઓવર ધરાવે છે અને તેની એડમોન્ટોન સાઈટ પરથી આશરે ૧૦૦,૦૦૦ ટન વેસ્ટની નિકાસ કરાય છે.

એન્વિરોન્મેન્ટ એજન્સીએ ભારત અને ઈન્ડોનેશિયાને વેસ્ટના જંગી પ્રમાણના કોન્ટ્રાક્ટ્સની જાણ થયાના પગલે તપાસ આરંભી હતી. બીફા કંપનીએ એજન્સી દ્વારા કરાયેલી કાર્યવાહી જાહેર હિતમાં ન હોવાનું જણાવ્યું હતું પરંતુ, શુક્રવાર ૩૦ જુલાઈના ચુકાદા પછી તેણે વેબસાઈટ પરથી નિવેદન હટાવી લીધું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter