ભારતને યુએન સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટે બ્રિટનનો ટેકો

Tuesday 21st March 2023 06:07 EDT
 

લંડનઃ યુકેની રિશિ સુનાક સરકારે ભારતને યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યપદ આપવાના સમર્થન સાથે જોરદાર તરફેણ કરી છે. પાર્લામેન્ટમાં રજૂ કરાયેલા ડિફેન્સ એન્ડ ફોરેન પોલિસી રિવ્યૂમાં સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા અને ભારતને કાયમી સભ્યપદ મળે તેની તરફેણ કરાઈ છે. બ્રિટિશ સરકારે ભારત સાથે ફી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કરવા મુદ્દે પણ કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

રિશિ સુનાક સરકારે જણાવ્યું છે કે બ્રિટિશ વિદેશનીતિમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર માત્ર એક ઝૂકાવ નથી પરંતુ, વિશેષ મહત્ત્વ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો સુધરે તે માટે સુરક્ષા પરિષદની વ્યવસ્થામાં ફેરફારો આવશ્યક છે. યુકેના ફોરેન સેક્રેટરી જેમ્સ ક્લેવર્લીએ હાઉસ ઓફ કોમન્સમાં રજૂ કરેલા ડિફેન્સ એન્ડ ફોરેન પોલિસી રિવ્યૂ (ઈન્ટિગ્રેટેડ રિવ્યૂ રીફ્રેશ 2023-IR2023)માં જણાવાયું છે કે બ્રિટન સિક્યોરિટી કાઉન્સિલમાં કાયમી સભ્યો તરીકે ભારત, બ્રાઝિલ, જાપાન અને જર્મનીનું સ્વાગત કરવા તત્પર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ફ્રાન્સે અગાઉ ભારતને સુરક્ષા પરિષદમાં સમાવવાની તરફેણ કરેલી જ છે. હવે બ્રિટિશ સરકારે પણ ખૂલીને ભારતનું સમર્થન કર્યું છે. સરકારના પ્રવક્તાએ આફ્રિકાના કાયમી સભ્યપદની પણ તરફેણ કરી હતી.

IR2023માં ભારત સાથે સંબંધોની પ્રાથમિકતા દર્શાવવા સાથે દ્વિપક્ષી કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, યુકે-ઈન્ડિયા 2030 રોડમેપ, ભારતના G20 પ્રમુખપદને સમર્થન, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાટાઘાટો આગળ વધારવા, સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારીને મજબૂત બનાવવા ટેકનોલોજીમાં સહકાર તેમજ દરિયાઈ સુરક્ષાસ્તંભ ભારતના ઈન્ડો-પાસિફિક ઓશન્સ ઈનિશિયેટિવને આગળ વધારવાની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter