ભારતને યુકે પ્રવાસ નિયંત્રણોમાં રાહત મળીઃ એમ્બર લિસ્ટમાં મૂકાયું

Wednesday 11th August 2021 05:08 EDT
 
 

લંડનઃ યુકે સરકારે ઈંગ્લેન્ડમાં આવનારા વિદેશી પ્રવાસીઓ ‘રેડ-યલો-ગ્રીન’ રેટિંગમાં ૮ ઓગસ્ટથી અમલમાં આવે તે રીતે ફેરફાર કર્યા છે. યુકેએ ભારતને ટ્રાવેલના હાઈ રિસ્ક રેડ લિસ્ટથી હટાવીને એમ્બર (યલો) લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. તેની સીધી અસર લાંબા સમયથી યુકે જવા ઈચ્છતા હજારો ભારતીય પરિવારો અને વિદ્યાર્થીઓ પર થશે છે. આનો અર્થ એમ થાય છે કે ભારત માટે ખુલ્લાં રહેલા લાંબા ગાળાના અન્ય વિઝા ઉપરાંત, વિઝિટર વિઝા પણ હવે ખુલ્લાં થશે. યુકે દ્વારા ભારતને એપ્રિલ મહિનામાં રેડ લિસ્ટમાં મૂકાયું હતું.

એમ્બર લિસ્ટના દેશોના પ્રવાસીઓ બ્રિટન પહોંચીને પોતાની પસંદની કોઈપણ જગ્યા પર ૧૦ દિવસ સુધી ક્વોરન્ટાઈન રહી શકે છે. એમ્બર લિસ્ટના નિયમો મુજબ પ્રવાસીઓને ઈંગ્લેન્ડ પહોંચતા પહેલા ૩ દિવસ અગાઉ કોરોનાની તપાસ કરાવવી પડશે અને તેને ઈંગ્લેન્ડ પહોંચ્યા પછી પણ બે વખત કોરોનાની તપાસ કરાવવી પડશે. ઈંગ્લેન્ડમાં પહોંચ્યા પછી પ્રવાસીઓએ ૧૦ દિવસ સુધી ઘરમાં કે પછી પોતાના પસંદના સ્થળે ક્યાંય પણ ક્વોરન્ટાઈન રહેવું ફરજિયાત હશે.

ભારત ઉપરાંત UAE, કતાર અને બહેરીનને પણ હવે યાત્રાની એમ્બર લિસ્ટમાં મૂકાયું છે. અત્યાર સુધી ભારત રેડ લિસ્ટમાં હતું અને ત્યાં જતાં પહેલાં ઈન્સ્ટિટ્યુશનલ એટલે કે હોટેલમાં ક્વોરન્ટાઈન થવું જરૂરી હતું. આ ફેરફાર રવિવાર, ૮ ઓગસ્ટ, સવારના ૪ વાગ્યાથી લાગુ થશે. મેક્સિકો, જ્યોર્જિયા અને ફ્રેન્ચ ઓવરસીઝ વિભાગો લા રિયુનિયન અને માયોટેને રેડ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. જોકે, સ્પેન રેડ લિસ્ટમાં જતા બચી ગયું છે.

દરમિયાન, ક્વોરેન્ટાઈન હોટેલનો ખર્ચ વધારી દેવાયો છે. ૧૧ દિવસના ક્વોરેન્ટાઈનના ભાવ ૧૨ ઓગસ્ટથી એક પ્રવાસીના ૧૭૫૦ પાઉન્ડના બદલે ૨,૨૮૫ પાઉન્ડ રહેશે. રૂમમાં વધારાના વયસ્ક યાત્રીને રહેવાનો દર ૬૫૦ પાઉન્ડથી વધીને ૧,૪૩૦ પાઉન્ડ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter