ભારતને સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જ જોઇએઃ ડેવિડ કેમેરૂન

વડાપ્રધાન મોદીમાં રહેલી ઉર્જા પ્રભાવિત કરનારી છેઃ યુકેના પૂર્વ વડાપ્રધાન

Tuesday 22nd October 2024 09:12 EDT
 
 

નવી દિલ્હીઃ એનડીટીવી વર્લ્ડ સમિટમાં સંબોધન કરતાં યુકેના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમેરૂને જણાવ્યું હતું કે વિશ્વ સામે રહેલા પડકારોનો સામનો કરવા ભારતની અત્યંત જરૂર છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવું જોઇએ. વિશ્વને મજબૂત આર્થિક વિકાસ, વ્યાપક લોકશાહી અને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા ગ્રીન ટ્રાન્ઝિશનની જરૂર છે અને ભારત આ ત્રણે બાબતોમાં અગ્રેસર છે.

કેમેરૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મોદીમાં રહેલી ઉર્જા પ્રભાવિત કરનારી છે. તેઓ વાસ્તવિક બદલાવ લાવવામાં સક્ષમ છે. ભારતમાં અમે તે જોઇ રહ્યાં છીએ. ભારત આ સદીમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બની શકે છે.

બંને દેશ વચ્ચેના વેપાર કરાર પર કેમેરૂને જણાવ્યું હતું કે, અત્યાર સુધી તે મૂર્તિમંત થયો નથી તેનો અફસોસ છે. બંને દેશે વધુ પ્રસ્તાવો મૂકીને, વધુ જોખમ ઉઠાવીને વેપાર કરાર કરવો જોઇએ જેથી બંને પક્ષને લાભ થાય.

યુકેમાં અભ્યાસ માટે જતા ભારતીય વિદ્યાર્થીઓ પર તેમણે જણાવ્યું હતું કે, યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઇ મર્યાદા લાદવામાં આવી નથી. યુકેને સંભવિત મહત્તમ ભારતીય વિદ્યાર્થીઓની જરૂર છે. તેઓ ભારત અને યુકે વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનાવે છે. યુકેમાં વાસ્તવિક સમસ્યા ગેરકાયદેસર માઇગ્રેશન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter