ભારતને સુરક્ષિત દેશ જાહેર કરતા સરકારના ખરડા પર હાઉસ ઓફ લોર્ડ્સના ગંભીર સવાલ

સરકારે રજૂ કરેલા ખરડા અંગે લોર્ડ્સની કમિટીને પુરતી માહિતી જ આપી નથીઃ કમિટી

Tuesday 05th December 2023 11:14 EST
 

લંડનઃ ભારત અને જ્યોર્જિયાને સુરક્ષિત દેશોની યાદીમાં સામેલ કરવાની સરકારની યોજનાની સંસદમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકારે આ મામલે ગયા મહિનામાં સંસદમાં એક ખરડો રજૂ કર્યો હતો. તેનો અર્થ એ છે કે આ બંને દેશમાંથી ગેરકાયદેસર રીતે યુકેમાં આવનારા લોકો રાજ્યાશ્રય માટે દાવો કરી શકશે નહીં.

સરકારની આ યોજના સામે હાઉસ ઓફ લોર્ડ્સની કમિટીએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે,ભારત અને જ્યોર્જિયાને સુરક્ષિત દેશ જાહેર કરતા કાયદામાં સુધારા પર અમારી પાસે જરૂરી માહિતી જ નથી. હાઉસ ઓફ લોર્ડ્સની કમિટીએ આ ખરડાની ચકાસણી કરીને ભારત અને જ્યોર્જિયાના સંદર્ભમાં પડનારી અસરોની પણ ચકાસણી કરી હતી.

કમિટીએ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અને બ્રિટનની હોમ ઓફિસની એવી માહિતી સામે મૂકી છે જે દર્શાવે છે કે આ બંને દેશમાં મોટાપાયે માનવ અધિકારનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. હોમ ઓફિસની દલીલ છે કે કોઇપણ દેશને સુરક્ષિત જાહેર કરવા માટે અમે કેટલીક ચકાસણીઓ કરીએ છીએ અને કેટલાક છૂટાછવાયા બનાવો સિવાય આ બંને દેશ અમારી ચકાસણીમાંથી પાર ઉતર્યાં છે.

જોકે લોર્ડ્સ કમિટીએ સવાલ કર્યો છે કે એવા કયા સંજોગોમાં બ્રિટન દ્વારા આ દેશોના રાજ્યાશ્રય ઇચ્છુકોના દાવા પર વિચારણા કરાશે. બેરોનેસ હેરિસે જણાવ્યું હતું કે, અમે વારંવાર સ્પષ્ટતા કરી ચૂક્યાં છીએ કે સંસદમાં કોઇપણ ખરડો રજૂ કરતાં પહેલાં તમામ માહિતી ઉપલબ્ધ કરાવવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter