ભારતનો વોન્ટેડ આરોપી નિરવ મોદી બ્રિટનમાં છે

Monday 31st December 2018 00:56 EST
 
 

લંડન, નવી દિલ્હીઃ ભારતની રાષ્ટ્રીય પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ૧૩,૫૦૦ કરોડ રુપિયાની છેતરપીંડી આચરવાના કૌભાંડનો મુખ્ય આરોપી નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો હોવાની માહિતી બ્રિટિશ સત્તાવાળાઓએ ભારતને આપી છે. નેશનલ સેન્ટ્રલ બ્યુરો ઓફ માન્ચેસ્ટરે ભારતીય એજન્સીઓને જણાવ્યું છે કે નિરવ મોદી બ્રિટનમાં વસવાટ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે બ્રિટનની સરકાર હાલમાં નિરવ મોદીના પ્રત્યાર્પણ અંગે વિચારણા કરી રહી છે.

વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે એક પ્રશ્રના જવાબમાંરાજ્યસભાને જણાવ્યું હતું કે ઓગસ્ટ, ૨૦૧૮માં સીબીઆઇ અને ઇડી દ્વારા બ્રિટિશ સરકારને બે અરજી મોકલવામાં આવી હતી. આ અરજીમાં નિરવ મોદીના પ્રત્યાર્પણની માગ કરવામાં આવી હતી. જૂન મહિનામાં જ ધ સન્ડે ટાઈમ્સ અખબારના અહેવાલમાં જણાવાયું હતું કે નિરવ મોદી તેના લંડનસ્થિત જ્વેલરી સ્ટોરની ઉપરના ફ્લેટમાં રહે છે.

ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં વિદેશ મંત્રાલયે યુરોપના વિવિધ દેશોને પત્ર લખી નિરવ મોદીને શોધવામાં મદદ કરવાની અપીલ કરી હતી. પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં નિરવ મોદીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડ રુપિયાની છેતરપીંડીનું કૌભાંડ ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં બહાર આવવા અગાઉ જ નિરવ મોદી જાન્યુઆરી ૨૦૧૮માં વિદેશ ભાગી ગયો હતો. પીએનબી કૌભાંડની શરુઆત બેન્કની મુંબઈસ્થિત બ્રેડી હાઉસ બ્રાન્ચથી ૨૦૧૧માં બનાવટી લેટર ઓફ અંડરટેકિંગ મારફત થઈ હતી. વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ના ગાળામાં હજારો કરોડ રુપિયા વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter