લંડન
ભારતમાં એક અબજ ડોલરનું કૌભાંડ આચરવાનો આરોપી જતિન મેહતા લંડનમાં તેના પરિવાર સાથે લક્ઝુરિયસ જિંદગી વીતાવી રહ્યો છે. જતિન મેહતાએ તેની પત્ની અને પુત્રો સાથે મળીને એક ભારતીય ગોલ્ડ બુલિયન અને જ્વેલરી મેન્યુફેક્ચરર અને ડાયમંડ કંપની દ્વારા કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ કથિત કૌભાંડ યુએઇ, બ્રિટન, સિંગાપોર અને આયર્લેન્ડમાં આવેલી કંપનીઓ દ્વારા ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ, સોનાના સોદા અને લોન ડિફોલ્ટ કરીને આચરાયું છે. કૌભાંડમાં સંડોવાયેલા નાણા ભારતમાંથી અન્ય સેફ હેવનમાં ટ્રાન્સફર કરી દેવાયાં હતાં. દિલ્હીમાં સત્તાવાળાઓ દ્વારા જતિન મેહતા અને પરિવાર સામે તપાસ શરૂ કરાતાં તેમણે ભારતથી ફરાર થતાં પહેલાં ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને સેન્ટ કિટ્ટસ એન્ડ નેવિસની નાગરિકતા હાંસલ કરી લીધી હતી. આ નાનકડો દેશ ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ ધરાવતો નથી. પરંતુ બ્રિટનની હાઇકોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જતિન મેહતા અને તેમનો પરિવાર લંડનમાં સેન્ટ જ્હોન્સ વૂડ, માઇડા વાલે અને હેમ્પસ્ટડ ગાર્ડન સબર્બમાં આવેલા 3 આલિશાન મકાનોમાં વૈભવી જિંદગી ગુજારી રહ્યાં છે. જતિન મેહતા અને તેમના પરિવાર દ્વારા ફ્રોડ કરીને મેળવાયેલા એક અબજ અમેરિકન ડોલરને વિશ્વભરમાં સ્થગિત કરવાના આદેશ બાદ હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનાવણીમાં આ બાબતોનો ખુલાસો કરાયો હતો. આ કૌભાંડમાં જતિન મેહતા, તેમની પત્ની સોનિયા, પુત્રો વિશાલ અને સૂરજ તથા બિઝનેસ પાર્ટનર હૈથામ ઓબિદાહ સંડોવાયેલા છે.
જતિન મેહતા અને તેમના પરિવારે મેહતાની માલિકીની વિનસમ ડાયમંડ્સ અને ફોરએવર પ્રેસિયસ ડાયમંડ્સ કંપનીઓ દ્વારા આ કૌભાંડ આચર્યું છે. સંપત્તિને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહેલી આ કંપનીઓ વતી હાજર રહેલા વકીલ ઇયાન વિલ્સને મેહતા અને પરિવારને આ નાણા ક્યાં ગયાં તે અંગે સંપુર્ણ હિસાબ આપવાની માગ કરી છે. મેહતા પરિવાર દ્વારા દલીલ કરવામાં આવી રહી છે કે યુએઇમાં આવેલી કપનીઓ દ્વારા કરાયેલા ફોરેન એક્સચેન્જ અને કોમોડિટી ડેરિવેટિવ્ઝ વ્યવહારોમાં કરોડો ડોલરની ખોટ ગઇ હતી. વિલ્સન કહે છે કે આ એક જુઠાણું છે. મેહતા અને તેમના પરિવારની વિશ્વભરમાં આવેલી સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ હાઇકોર્ટના અન્ય જજ જ્હોન્સન દ્વારા અપાયો હતો. અગાઉની સુનાવણીમાં તેમણે જણાવ્યું હતું કે, આ એક મહત્વનો કેસ છે. મેહતા પરિવારે ભારે ચાલાકીથી વ્યાપક સ્તરે કૌભાંડ આચર્યું છે. આ પહેલાં મેહતા પરિવાર ક્યાં છે તેની કોઇને જાણ નહોતી પરંતુ લિક્વિડેટરોએ તેમના લંડન સ્થિત ઠેકાણા શોધી કાઢ્યાં છે.


