લંડનઃ ભારતીય એરપોર્ટ પરથી વિદેશ પ્રવાસ કરતા મુસાફરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 1 સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ હવે ફિઝિકલ બોર્ડિંગ પાસ સાથે રાખવાની કે તેના પર સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓએ બોર્ડિંગ પાસ પર સ્ટેમ્પ મારવાની પરંપરાગત પદ્ધતિને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. તેના બદલે, વિદેશ પ્રવાસ કરતા મુસાફરોએ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે પોતાના સ્માર્ટફોન પર ઈ-બોર્ડિંગ પાસ દર્શાવવાનો રહેશે, જેનાથી એરપોર્ટ પરની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે.
ગુમ કે ચોરાયેલ જાહેર કરેલા પાસપોર્ટ પર મુસાફરી ન કરવા ચેતવણી
બ્રિટનની પાસપોર્ટ ઓફિસે નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમણે અગાઉ પોતાનો પાસપોર્ટ ગુમ કે ચોરાઈ ગયો હોવાની જાણ કરી હોય અને તે પાછળથી મળી આવે તો પણ તેના આધારે પ્રવાસ કરવો નહીં. એકવાર ગુમ કે ચોરાયેલ તરીકે નોંધાયા પછી પાસપોર્ટ રદ્દ થઈ જાય છે. તેના પર મુસાફરી કરવાથી એરપોર્ટ કે બોર્ડર પર પ્રવાસ કરતા અટકાવી શકાય છે. ગુમ થયેલા પાસપોર્ટના સ્થાને નવો પાસપોર્ટ મેળવવા માટે તાત્કાલિક અરજી કરવી જરૂરી છે. જો પાસપોર્ટ પરની વિગતો સ્પષ્ટ ન હોય, પાના ફાટેલા હોય, કવર છૂટું પડી ગયું હોય, અથવા શાહી-પાણીના ડાઘ લાગ્યા હોય તો તેને પણ ક્ષતિગ્રસ્ત ગણીને નવો પાસપોર્ટ મેળવવો પડશે.

