ભારતમાં 180 દિવસથી વધુ રોકાણ કરતા વિદેશીઓ માટેના નિયમોમાં સુધારો

રોકાણની પૂરી થતી સમયમર્યાદા પહેલાં જ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, ભારતમાં જન્મેલા બાળકોની નોંધણીમાં રાહત

Tuesday 02nd June 2026 11:49 EDT
 
 

લંડનઃ ભારતમાં 180 દિવસથી વધુ સમય માટે રોકાણ કરવા ઈચ્છતા વિદેશી નાગરિકો માટે ભારત સરકારે ઈમિગ્રેશન નિયમોમાં મોટો સુધારો કર્યો છે, જે અંતર્ગત હવે નિયત સમયમર્યાદા પહેલાં જ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે.

ભારતના ગૃહ મંત્રાલય દ્વારા ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ રૂલ્સ, 2025ની જોગવાઇઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા હેઠળ વિદેશી નાગરિકોએ ભારતમાં 180 દિવસથી વધુ રોકાણ કરવું હોય તો રજીસ્ટ્રેશનની સમયમર્યાદા બદલી નાખવામાં આવી છે. સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ જાહેરનામા અનુસાર જે વિદેશી નાગરિકો 180 દિવસ કે તેથી ઓછી અવધિના વિઝા પર ભારત આવ્યા છે અને તેઓ આ નિર્ધારિત સમય મર્યાદા કરતાં વધુ સમય માટે દેશમાં રોકાવવા માંગે છે તો તેમણે હવેથી 180 દિવસની મુદત પૂરી થતા પહેલાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આ અગાઉ 180 દિવસ પૂરા થયા બાદ 14 દિવસમાં રજિસ્ટ્રેશનની પરવાનગી હતી. આ સુધારેલા નિયમો એવા વિદેશી નાગરિકોને પણ લાગુ પડશે જેમની પાસે 180 દિવસથી વધુના વિઝા છે.

આ સુધારેલા નિયમોમાં એવા બાળકોને મોટી રાહત આપવામાં આવી છે જેમનો જન્મ ભારતમાં થયો છે અને તેમના માતા કે પિતામાંથી કોઈ એક અથવા બંને વિદેશી નાગરિક છે. જૂના નિયમો અનુસાર બાળકના જન્મના 30 દિવસમાં માતા-પિતાએ રજીસ્ટ્રેશન ઓફિસરને ઓનલાઇન પોર્ટલ કે મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઇલેક્ટ્રોનિક માધ્યમથી જાણ કરવી ફરજિયાત હતી પરંતુ હવે નવા માળખા હેઠળ જો માતા અથવા પિતામાંથી કોઈ એક ભારતીય નાગરિક હોય અને તેઓ બાળક માટે ભારતીય નાગરિકતા જ જાળવી રાખવા માંગતા હોય તો આ નિયમ લાગુ પડશે નહીં. જોકે જો બાળક ભારતમાં વસવાટ દરમિયાન જ ભવિષ્યમાં અન્ય કોઈ દેશની નાગરિકતા મેળવે છે, તો માતા-પિતાએ વિદેશી નાગરિકતા મળ્યાના 30 દિવસની અંદર રજીસ્ટ્રેશન ઓફિસરને જાણ કરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter