ભારતમાં ઇડીએ બીબીસી સામે ફેમા અંતર્ગત કેસ નોંધ્યો

બીબીસીના અધિકારીઓ પાસે નિવેદનો અને દસ્તાવેજોની માગ કરાઇ

Tuesday 18th April 2023 12:50 EDT
 
 

લંડન

ભારતના એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે બીબીસી ઇન્ડિયા સામે ફોરેન ફંડિંગમાં ગેરરિતીના આરોપસર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ઇડીએ ફેમાની જોગવાઇઓ અંતર્ગત કંપનીના કેટલાક ઉચ્ચ અધિકારીના નિવેદનોનું રેકોર્ડિંગ અને દસ્તાવેજોની માગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2023માં બીબીસી ઇન્ડિયાની નવી દિલ્હી અને મુંબઇ સ્થિત કચેરીઓ પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગે ઇન્ટરનેશનલ ટેક્સેશન અને બીબીસીની પેટા કંપનીઓમાં ટ્રાન્સફર પ્રાઇસિંગના મામલે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી.

3 દિવસ દરોડાની કાર્યવાહી બાદ આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, બીબીસી ગ્રુપની વિવિધ કંપનીઓ દ્વારા દર્શાવવામાં આવેલી આવક અને નફો ભારતમાં તેમની કામગીરીની વ્યાપકતા સાથે મેળ ખાતાં નથી અને તેની વિદેશી કંપનીઓ દ્વારા થયેલી ચોક્કસ આવકો પર ટેક્સની ચૂકવણી કરાઇ નથી.

બીબીસી દ્વારા ગુજરાત રમખાણોમાં ભારતના વડાપ્રધાન અને તત્કાલિન ગુજરાતન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પરની દસ્તાવેજી ફિલ્મ પ્રસારિત કરાઇ  તેના થોડા જ દિવસોમાં આવકવેરા વિભાગ દ્વારા નવી દિલ્હી અને મુંબઇ સ્થિત બીબીસીની કચેરીઓ પર દરોડા પડાયા હતા.

અમે તપાસમાં સંપુર્ણ સહકાર આપીશું - બીબીસી

લંડન - બ્રિટિશ પબ્લિક બ્રોડકાસ્ટર દ્વારા કથિત ફોરેન એક્સચેન્જ ઉલ્લંઘનના મામલામાં ઇડી દ્વારા શરૂ કરાયેલી તપાસ પર બીબીસીએ જણાવ્યું હતું કે, અમે ભારતીય સત્તાવાળાઓને સંપુર્ણ સહકાર આપીશું. બીબીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે ભારતમાં કામગીરી માટેની તમામ જવાબદારીઓ નિભાવીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter