લંડનઃ ભારતની મુલાકાતે જતા બ્રિટિશ નાગરિકોને ઇમિગ્રેશનમાં સુવિધા માટે 1 ઓક્ટોબરથી ફિઝિકલ ડિસએમ્બાર્કેશન કાર્ડ્સના સ્થાને ડિજિટલ ઇ-એરાઇવલ કાર્ડ અમલી બનાવવામાં આવ્યા છે. વર્ક, ટુરિઝમ, સ્ટડી અથવા બિઝનેસ માટે ભારત જતા બ્રિટિશ નાગરિકો માટે હવે ઇમિગ્રેશનની પ્રક્રિયા વધુ સરળ બની રહેશે.
હવે ભારતની મુલાકાત વખતે વિદેશી નાગરિકોએ ઇમિગ્રેશન સમયે ફિઝિકલ ડિસએમ્બાર્કેશન કાર્ડ ભરવાનું રહેશે નહીં. હવે તેમની પાસે ડિજિટલ એરાઇવલ કાર્ડ ઓનલાઇન જમા કરાવવાનો વિકલ્પ રહેશે.
આ ઇ-એરાઇવલ કાર્ડમાં પાસપોર્ટ નંબર, રાષ્ટ્રીયતા, મુલાકાતનો હેતૂ, ભારતમાં રોકાણનું સરનામુ અને સંપર્કની વિગતો આપવાની રહેશે. આ માટે કોઇ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે નહીં. જોકે ભારતીય નાગરિકો અને ઓસીઆઇ કાર્ડ ધરાવતા વિદેશી નાગરિકોએ આ ઇ-એરાઇવલ કાર્ડ ભરવું જરૂરી નથી.
ભારતનું ગૃહમંત્રાલય વિદેશી નાગરિકો માટે ઇમિગ્રેશનની પ્રક્રિયા ટેકનોલોજીની મદદથી ઝડપી બનાવવા માગે છે. આ પહેલાં સપ્ટેમ્બરમાં ભારતના ગૃહમંત્રી અમિત શાહે ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન – ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રોગ્રામનો ઉપયોગ ભારતીય નાગરિકો અને ઓસીઆઇ કાર્ડધારકો કરી શકે છે. હાલ ભારતના 13 એરપોર્ટ ખાતે આ પ્રોગ્રામ અમલી છે.


