લંડન
ભારતની મુલાકાતે પહોંચેલા બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલીએ ભારતના આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની નવી દિલ્હી અને મુંબઇ સ્થિત કચેરીઓ ખાતે કરાયેલી સર્વેની કાર્યવાહીનો મુદ્દો ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાતમાં ઉઠાવ્યો હતો. પરંતુ એસ. જયશંકરે ક્લેવરલીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, ભારતમાં કાર્યરત તમામ બિઝનેસ કંપનીઓએ ભારતના કાયદા અને નિયમોનું પાલન કરવું પડશે. સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ક્લેવરલીએ જણાવ્યું હતું કે, જયશંકર સાથેની વાતચીત ગુપ્ત રહેશે. મેં બીબીસી પરની કાર્યવાહીનો મુદ્દો જયશંકર સમક્ષ ઉઠાવ્યો હતો.
કરવેરાની ચૂકવણીમાં કથિત ગેરરિતીની તપાસ માટે ગયા મહિને ભારતના આવકવેરા વિભાગ દ્વારા બીબીસીની નવી દિલ્હી અને મુંબઇ ખાતેની કચેરીઓ પર દરોડા પડાયાં હતાં. બીબીસીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતી દસ્તાવેજી ફિલ્મ પ્રસારિત કર્યાના થોડા જ સપ્તાહમાં બીબીસી વિરુદ્ધ આવકવેરા વિભાગની કાર્યવાહી થઇ હતી. દરોડા બાદ આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે, બીબીસીએ કેટલીક ચોક્કસ આવકો પર ટેક્સની ચૂકવણી કરી નથી.
બીબીસી પરની કાયવાહીના પડઘા બ્રિટનમાં પણ પડ્યાં હતાં. બ્રિટનની સરકારે જણાવ્યું હતું કે, અમે બીબીસીની પડખે છીએ. અમે બીબીસીને ફંડ આપીએ છીએ. અમને લાગે છે કે બીબીસી વર્લ્ડ સર્વિસ અત્યંત મહત્વની છે. અમે ઇચ્છીએ છીએ કે બીબીસી સ્વતંત્ર રીતે કામ કરે. બીબીસી બ્રિટનમાં સરકાર અને વિપક્ષ એમ બંનેની ટીકા કરે છે. અમે માનીએ છીએ કે બીબીસી માટે આ પ્રકારની સ્વતંત્રતા અત્યંત જરૂરી છે.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે બીબીસીની દસ્તાવેજી ફિલ્મ અકસ્માતે આ સમયે આવી નથી. અમે વિદેશી મીડિયા દ્વારા ઊભા કરાયેલા વિવાદને વખોડીએ છીએ. આ એક અન્ય રીતે લડાતું યુદ્ધ છે. એક રીતે કહી શકાય કે અન્ય રીતે કરાતી રાજનીતિ.
ક્લેવરલીએ જણાવ્યું હતું કે, બીબીસી એક સ્વતંત્ર સંગઠન છે અને યુકે સરકાર તેમાં કોઇ હસ્તક્ષેપ કરતી નથી. મેં બીબીસીની ડોક્યુમેન્ટરી જોઇ નથી પરંતુ યુકે અને ભારતમાં તેના પ્રત્યાઘાતો જોવા મળ્યાં છે.


