લંડન
ભારતમાં કેદ કરાયેલા બ્રિટિશ શિખ યુવકની મુક્તિની માગ સાથે નાઝનિન ઝઘારી-રેટક્લિફ અને તેમના પતિ રિચર્ડ રેટક્લિફ સહિત સેંકડો લોકોએ ડાઉનિંગ સ્ટ્રીટમાં રેલી કાઢી દેખાવો કર્યાં હતાં. વર્ષ 2017માં બ્લોગર જગતાર સિંહ જોહલની ભારતના પંજાબ ખાતે અટકાયત કરાઇ હતી. શિખ માનવ અધિકારો માટે લડત ચલાવી રહેલા જગતાર સિંહ ફાંસીની સજાનો સામનો કરી રહ્યાં છે. બ્રિટનના ડમ્બાર્ટનના વતની એવા 35 વર્ષીય યુવાન પર પંજાબ પોલીસે અત્યાચારો ગુજારીને કોરા કાગળો પર હસ્તાક્ષર કરાવી લીધા હોવાના આરોપો મૂકાયા હતા. તેમના પરિવારનો આરોપ છે કે પંજાબાં એક લગ્નમાં હાજરી આપવા ગયેલા જગતારસિંહની ધરપકડ કરાઇ હતી અને તેમને એક અજાણી કારમાં ઉઠાવી જવાયા હતા.
જગતારસિંહની મુક્તિની માગ સાથે બ્રિટિશ સરકારને અપીલ કરવા યોજાયેલી રેલીમાં નાઝનિન ઝઘારી અને તેમના પતિ જોડાયા હતા. નાઝનિન બ્રિટિશ ઇરાની મહિલા છે જેમને સરકાર ઉથલાવી દેવાનું કાવતરું ઘડવાના આરોપસર ઇરાનમાં 6 વર્ષ જેલમાં ગોંધી રખાયા હતા. રેટક્લિફ દંપતીનો આરોપ છે કે જોહલની મુક્તિ માટે બ્રિટિશ સરકાર કોઇ પ્રયાસો કરી રહી નથી. વિદેશ મંત્રાલયના અધિકારીઓ જોહલના પરિવારને ખોટાં આશ્વાસન આપી રહ્યાં છે અને સરકારના મંત્રીઓ ફેન્સી ડીનર્સ અને ટ્રેડ ડીલ્સમાં વ્યસ્ત છે.


