લંડનઃ ભારતની જેલમાં વર્ષોથી કેદ સ્કોટિશ શીખ જગતારસિંહ જોહલની મુક્તિ માટે ઝડપી અને નિર્ણાયક પગલાં લેવા 100 કરતાં વધુ લોર્ડ્સ અને સાંસદોએ ફોરેન સેક્રેટરીને પત્ર લખ્યો છે. ડમ્બરટનના જોહલની ભારતમાં આતંકવાદ સંબંધિત અપરાધોના આરોપસર નવેમ્બર 2017માં ધરપકડ કરાઇ હતી. હજુ સુધી જોહલને એકપણ અપરાધ માટે દોષી ઠેરવાયો નથી અને તેની વિરુદ્ધના 9માંથી એક કેસમાં નિર્દોષ પણ જાહેર કરી દેવાયો છે.
જોહલના પરિવારને આશા હતી કે ભારતની સુપ્રીમ કોર્ટ ગયા સપ્તાહમાં જોહલને જામીન પર મુક્ત કરશે પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા કોઇ ચુકાદો અપાયો નથી અને આ મામલાનો કેટલા સમયમાં નિકાલ આવશે તેની પણ સ્પષ્ટતા કરાઇ નથી.
જોહલ પર ભારતના પંજાબ રાજ્યમાં આતંકવાદી હુમલા કરનાર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન લિબરેશન ફોર્સનો સભ્ય હોવાનો આરોપ છે. આરોપમાં જણાવવામાં આવ્યું છે કે જોહલે વર્ષ 2013માં પેરિસની મુલાકાત દરમિયાન આતંકી સંગઠનના કેટલાક સભ્યોને 3000 પાઉન્ડની સહાય કરી હતી જેની મદદથી ખરીદાયેલા શસ્ત્રો વડે 2016 અને 2017માં હિન્દુ રાષ્ટ્રવાદી અને ધાર્મિક અગ્રણીઓ પર હુમલા કરાયા હતા. જોહલે આરોપ મૂક્યો હતો કે ધરપકડના શરૂઆતના દિવસોમાં મારા પર અત્યાચાર ગુજારી અપરાધ કબૂલવાની ફરજ પડાઇ હતી.
ફોરેન સેક્રેટરી ડેવિડ લેમીને લખેલા પત્રમાં 100 કરતાં વધુ લોર્ડ્સ અને સાંસદ દ્વારા હસ્તાક્ષર કરાયાં છે.