લંડનઃ ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પર તાલી રહેલી મંત્રણાઓ વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ ન આવતાં સ્થગિત કરી દેવાઇ છે. હવે ભારતમાં લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી મંત્રણા અંગે નવી સરકાર દ્વારા નિર્ણય લેવાશે.
બ્રિટન ભારતીય બજારમાં યુકેની પ્રોફેશનલ સર્વિસિઝને વધુ તકો અપવા અને વ્હિસ્કી તથા કાર પરની જકાતમાં મોટી રાહત આપવા ભારત સરકાર પર દબાણ કરી રહ્યો છે તો સામે પક્ષે નવી દિલ્હી યુકેમાં કામ કરવા જતા કામદારો માટે વધુ સુવિધાઓની માગ કરી રહ્યો છે. ભારતે યુકેમાં થતી ટેક્સટાઇલ નિકાસો ઓછી કરવાની પણ માગ કરી છે.
બ્રિટિશ અધિકારીઓએ જણાવ્યું છે કે ભારતમાં સંસદની ચૂંટણી પૂરી થયા પછી ફરી એકવાર મંત્રણાઓ શરૂ થશે. પરંતુ ત્યારબાદ બ્રિટનમાં ચૂંટણી આવી જશે તેથી બંને દેશ પાસે ઘણો ઓછો સમય રહેશે. ભારતમાં નરેન્દ્ર મોદી ફરી વિજેતા બને તેની સંભાવના ઊંચી છે પરંતુ બ્રિટનમાં રિશી સુનાક પરાજિત થઇ શકે છે.
ભારત અને યુકે વચ્ચે મજબૂત બની રહેલા સંબંધોને આવકારતાં વડાપ્રધાન રિશી સુનાકે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 12 માર્ચના મંગળવારના રોજ ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરારની મંત્રણામાં થઇ રહેલી પ્રગતિ પર ચર્ચા કરી હતી. આ ઐતિહાસિક વેપાર કરાર બંને દેશ માટે લાભકારક હોવાથી તેના મહત્વ અંગે બંને નેતા સહમત થયાં હતાં. વેપાર કરાર પર થઇ રહેલી પ્રગતિ પર નજર રાખવા અને એકબીજાના સંપર્કમાં રહેવા બંને નેતા સહમત થયાં હતાં.
બીજીતરફ યુકેના બિઝનેસ અને ટ્રેડ સેક્રેટરી કેમી બેડનોકે જણાવ્યું હતું કે, ભારતમાં સંસદની ચૂંટણી યોજાય તે પહેલાં જ ભારત-યુકે મુક્ત વેપાર કરાર સંભવિત બની શકે છે પરંતુ બ્રિટન તેને ડેડલાઇન તરીકે ઉપયોગ કરવા ઇચ્છતો નથી. હાલમાં વેપાર કરાર મુદ્દે 14મા રાઉન્ડની મંત્રણા ચાલી રહી છે. કેમી બેડનોકે ભારતને વધુ પડતું સંરક્ષણાત્મક અર્થતંત્ર ગણાવ્યો હતો.