લંડનઃ શહેરી ટ્રાન્સપોર્ટ પોલિસી, પ્લાનિંગ, ટેકનોલોજી ટ્રાન્સફર અને સંસ્થાકીય દ્વિપક્ષી સહકાર વિશે ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) ભારતીય માર્ગ પરિવહન અને હાઈવેઝ મંત્રાલય (MoRTH) વચ્ચે ૧૦ જાન્યુઆરીએ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ભારત તરફે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને TfLના ચીફ ટેકનોલોજી ઓફિસર અને ડાયરેક્ટર ઓફ કસ્ટમર એક્સપીરિયન્સ શશી વર્માએ MoU પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજૂતીમાં ભારતમાં પસંદગીના શહેરોમાં જાહેર પરિવહન સિસ્ટમ સુધારવા TfL અને MoRTH એકબીજા સાથે મળી કૌશલ્યની આપલે કરે તેવા માળખાની જોગવાઈ છે. બંને સત્તામંડળો વચ્ચે સહકાર પેસેન્જર ઈન્ફોર્મેશન સર્વિસીસ, ઈલેક્ટ્રિક વ્હીકલ મોબિલિટી, ડિજિટલ ટિકેટિંગ, મુખ્ય પ્રોજેક્ટના ફાઈનાન્સ, ઓપરેશન્સ અને મેઈન્ટેનન્સ સ્ટ્રેટેજિસ જેવાં શહેરી અવરજવરના ઉપાયો તથા વર્તણૂંકના ફેરફાર અને પબ્લિક ટ્રાન્સપોર્ટને ઉત્તેજન સહિતનાં ક્ષેત્રોને આવરી લેશે.
ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) લંડનમાં સુગઠિત પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે જવાબદાર સ્થાનિક સરકારી સંસ્થા છે. આ પ્રસંગે ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનર સર ડોમિનિક એસ્ક્વિથ KCMG પણ ઉપસ્થિત હતા અને તેમણે બંને દેશ વચ્ચેના સહકારને આવકાર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘લંડનમાં અસાધારણ સેવા આપવાના લીધે TfL મોટી બ્રાન્ડ બની ગઈ છે અને યોજનાઓ આગળ વધતી જશે તેમ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ સાથે કામ કરવામાં બ્રિટિશ સરકાર આનંદ અનુભવશે. પૂણે, અમરાવતી અને ઈન્દોરમાં યુકે-ભારત ભાગીદારી મુદ્દે ઉજવણી કરવા માટે ઘણુબધું છે અને આ પ્રોજેક્ટની સફળતામાં TfL અને MoRTHને મદદરુપ બનવા અમે આતુર છીએ.’
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે તાજેતરની લંડન મુલાકાત દરમિયાન તેઓ જાહેર પરિવહનના સુગઠિત અભિગમથી ભારે પ્રભાવિત થયા હતા. ભારતમાં પોલ્યુશન, ટ્રાફિક જામ અને પેસેન્જર સેવાની સમસ્યાઓ ઉકેલવા ભારતીય શહેરોમાં પણ આવો અભિગમ અપનાવવાનું તેમને ગમશે. આ સહકાર યુકે અને ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
શશી વર્માએ જણાવ્યું હતું કે આ સમજૂતીનો હેતુ ટ્રાફિકની સમસ્યાઓ, પર્યાવર્ણીય અસરો ઘટાડવા અને નાગરિકોની જરુરિયાતોના પ્રતિસાદ આપતા ઉપાયો વિકસાવવામાં TfL દ્વારા ઈન્ટિગ્રેટેડ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં લંડનનું કૌશલ્ય ભારતીય શહેરોમાં ઉપયોગમાં લાવી શકાય તેનો છે. તેની રચનાત્મક અસર ભારતના સમગ્રતયા શહેરી અનુભવ અને આર્થિક વૃદ્ધિ પર જોવા મળશે.
લંડન અંડરગ્રાઉન્ડ, લંડનની બસો, ડોકલેન્ડ્સ લાઈટ રેલવે, લંડન ઓવરગ્રાઉન્ડ, TfL રેલ, લંડન ટ્રામ્સ, લંડન રિવર સર્વિસીસ, લંડન ડાયલ-અ-રાઈડ, વિક્ટોરિયા કોચ સ્ટેશન, સેન્ટેન્ડર સાઈકલ્સ અને કેબલ કારના કામકાજની જવાબદારી TfL હસ્તક છે. યુકે ભારતમાં પૂણે, અમરાવતી અને ઈન્દોરમાં ત્રણ સ્માર્ટ સિટીઝના નિર્માણમાં સાથી દેશ છે.
મુંબઈમાં ૬ ફેબ્રુઆરીએ એક દિવસની કોન્ફરન્સ ઈન્ડિયા-યુકે ક્રીએટેક સમિટ ૨૦૧૮ યોજાનાર છે, જેમાં બિઝનેસ અને સરકારના અગ્રણીઓ ચાવીરુપ પ્રવચનો, પેનલ ચર્ચાઓ અને વર્કશોપ્સમાં ઉપસ્થિત રહેશે. આ ક્રીએટેક સમિટ સર્જનાત્મકતા અને ટેકનોલોજીના સંગમને ઉત્તેજન આપવા માટે છે. યુકે અને ભારત વચ્ચે વેપારને પ્રોત્સાહિત કરવા સંખ્યાબંધ કાર્યક્રમો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાશે. ફિલ્મ, મ્યુઝિક, ઈમર્સિવ ટેકનોલોજી, હેલ્થકેર, રિટેઈલ, ઈન્ડસ્ટ્રીઅલ ડિઝાઈન અને સ્પોર્ટ્સ ક્ષેત્રની ૧૦૦થી વધુ બ્રિટિશ કંપનીઓ વિવિધ ટ્રેડ મિશન્સ સાથે ભારતની મુલાકાત લેશે અને બંને દેશો વચ્ચે સહકાર અને વેપારની તકો ચર્ચવા ભારતીય બિઝનેસીસના અગ્રણીઓને મળશે.