ભારતમાં ધાર્મિક લઘુમતીઓ અન્યત્ર કરતાં વધુ સારા અધિકારો માણે છેઃ લોર્ડ ભીખુ પારેખ

Wednesday 04th August 2021 04:42 EDT
 
 

લોર્ડ ભીખુ પારેખે તાજેતરમાં ભારતમાં માનવ અધિકાર પરિસ્થિતિ અને ખાસ કરીને એકેડેમિક્સ, મુસ્લિમો, ક્રિશ્ચિયન્સ અને દલિતોના સંદર્ભે પ્રવચન આપ્યું હતું. લોર્ડ પારેખે સમજાવ્યું હતું કે ભારતની સુપ્રીમ કોર્ટે આ અધિકારોના રક્ષક-કસ્ટોડિયન તરીકે કાર્ય કર્યું છે અને તેના અમલપાલન બાબતે ઉત્સાહી રહી છે. લોર્ડ પારેખે એમ પણ કહ્યું હતું કે અન્ય કોઈ સ્થળની સરખામણીએ ભારતમાં ધાર્મિક લઘુમતીઓ વધુ સારા અધિકારો માણે છે. તેઓ ધાર્મિક સ્વાતંત્ર્ય ધરાવે છે તેમજ શૈક્ષણિક અને બંધારણીય સંસ્થાઓની સ્થાપનાના અધિકારો પણ છે. આ ઉપરાંત, આગવા પર્સનલ કાયદાઓનું પાલન પણ કરી શકે છે.

લોર્ડ પારેખે જણાવ્યું હતું કે, ‘જોકે, આ માત્ર તેનું ઔપચારિક પાસું જ છે; વધુ મૂળભૂત સ્તરે હિન્દુઈઝમ, ઈસ્લામ અને અન્ય ધર્મોમાં આદાનપ્રદાન કરાયું છે અને સંમિશ્રિત સંસ્કૃતિની રચના કરી છે જેમાં તેમણે બધાએ યોગદાન આપ્યું છે અને તેમાં બધા જ ભાગ લઈ રહ્યા છે. ઉદાહરણ લઈએ તો, કર્મનો સિદ્ધાંત, જે મૂલતઃ હિન્દુ ધર્મનો સિદ્ધાંત મનાય છે, હવે ૭૭ ટકા મુસ્લિમો પણ તેને માની રહ્યા છે. આના પરિણામે, મુસ્લિમો અથવા ક્રિશ્ચિયનો ‘ભારતમાં’ કહેવાનું હાસ્યાસ્પદ બની રહ્યું છે; વાસ્તવમાં તેઓ ‘ભારતના’ મુસ્લિમો અથવા ખ્રિસ્તીઓ બની રહ્યા છે કારણકે ભારતે તેમનું ઘડતર કર્યું છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૧.૩ બિલિયનની વસ્તી ધરાવતા દેશમાં લઘુમતીઓ- અને બહુમતીઓ પણ- પીડિત કે ત્રસ્ત હોવાનું અથવા તેમની સાથે અન્યાય થતો હોવાનું અનુભવે ત્યારે ઘટનાઓ ઘટવી સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિઓ સાથે કામ પાર પાડવા સિસ્ટમ સ્વસ્થ-નિખાલસ હોય તે જરૂરી છે.

લોર્ડ પારેખે દલિતો વિશે બોલતા કહ્યું હતું કે, દલિતોએ તાકાત અને વગની પોઝિશન્સ મેળવી છે અને પોતાના અધિકારો માટે મક્કમ નિર્ધાર સાથે લડત આપી છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘તેમણે સરકાર દબાણ વધારવાની શરૂઆત કરી દીધી છે. મનમાં એ યાદ રાખવું પણ આવશ્યક છે કે અમેરિકનો ૨૦૦ વર્ષ પછી પણ બ્લેક લાઈવ્ઝ મેટર આંદોલનથી જોવા મળે છે તેમ રંગભેદના વારસા સામે હજુ ઝઝૂમી રહ્યા છે.’

વિદ્વાનો કે બોદ્ધિકોની બાબતે લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘ ઘણા વિદ્વાનો-બોદ્ધિકોએ મિ. મોદીના વહીવટની મુક્તકંઠે ટીકાઓ કરી છે પરંતુ, કોઈએ અફસોસ દર્શાવ્યો નથી. મારા પોતાના પારિવારિક ફાઉન્ડેશને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને ૩૦ લાખ રૂપિયા આપ્યા છે અને અમને હજુ કોઈ અફસોસ થયો નથી. આ જ રીતે ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ’ને ૧ કરોડ રૂપિયા આપવાનો કોઈ અફસોસ થયો નથી.’

પોતાના વક્તવ્યનું સમાપન કરતા લોર્ડ પારેખે જણાવ્યું હતું કે,‘ ભારત ટીકાત્મક સલાહને આવકારે છે, જો આમ ન હોય તો તેણે ટીકાત્મક સલાહને આવકારવી જોઈએ, આવી સલાહ વિનમ્રતા સાથેની હોય, તે વડીલપણા- મુરબ્બીવટ અથવા કૃપાનું પ્રદર્શન કરનારી ન હોય તેમજ ભારતની સમસ્યાઓ અને સંકટની સહાનુભૂતિપૂર્વકની સમજ પર આધારિત હોય તે આવશ્યક છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter