લંડનઃ ભારતમાં આર્થિક અપરાધો કરી બ્રિટનમાં આશ્રય લઇ રહેલા અપરાધીઓ પ્રત્યર્પણ અટકાવવા માટે નિતનવા હથકંડા અપનાવતા રહે છે. તાજેતરમાં શસ્ત્ર સોદાઓના વચેટિયા સંજય ભંડારીના પ્રત્યર્પણના કેસની સુનાવણી હાઇકોર્ટમાં પૂરી થઇ હતી. અદાલત નવા વર્ષમાં તેનો ચુકાદો જાહેર કરશે.
સંજય ભંડારીના વકીલોએ અદાલતમાં જણાવ્યું હતું કે, જો સંજય ભંડારીને ભારતને સોંપી દેવાશે તો તેને દિલ્હીની તિહાર જેલમાં હિંસા અને ખંડણીનો સામનો કરવો પડી શકે છે. સંજય ભંડારી પર ભારતમાં કર ચોરી અને મની લોન્ડરિંગના આરોપો લાગેલા છે. તેમણે ભારતની પ્રત્યર્પણની અપીલને પડકારતાં હાઇકોર્ટમાં અરજી કરી હતી.
સંજય ભંડારી તેમની કંપની ઓફસેટ ઇન્ડિયા સોલ્યૂશન્સ દ્વારા સંરક્ષણ ઉત્પાદકો માટે ભારત સરકાર સાથે શસ્ત્રોના સોદા કરાવતા હતા. હાઇકોર્ટમાં આરોપ મૂકાયો હતો કે સંજય ભંડારી યુકે અને દુબઇમાં 65 મિલિયન પાઉન્ડ જેટલી સંપત્તિ ધરાવે છે પરંતુ ભારતમાં ટેક્સ રિટર્નમાં તેમણે આ સંપત્તિ જાહેર કરી નથી. તે સમયે તેઓ ભારતના રહેવાસી હતા. તેમના પર ભારતના બ્લેક મની એક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકાયો છે. ત્યારબાદ તેઓ લંડન ચાલ્યા ગયા હતા.


