લંડન
યુકે સ્થિત મીડિયા એજન્સી બીબીસીની ભારત ખાતેની કચેરીઓમાં મંગળવારે સવારે ભારતના આવકવેરા વિભાગ દ્વારા કથિત આંતરરાષ્ટ્રીય કરચોરીના મામલાઓની તપાસ માટે દરોડા પડાયા હતા. દિલ્હીમાં કેજી માર્ગ પર આવેલા એચટી ટાવરના પાંચમા અને છઠ્ઠા માળની બીબીસીની કચેરી અને મુંબઇમાં સાન્તાક્રુઝ વિસ્તારમાં આવેલા બીબીસી સ્ટુડિયો ખાતે આવકવેરા અધિકારીઓની ટુકડીઓ પહોંચી હતી અને સર્વેની કામગીરી શરૂ કરી હતી. ભારતમાં આવકવેરાના દરોડા પર બીબીસીએ જણાવ્યું હતું કે, અમે નવી દિલ્હી અને મુંબઇ ખાતે સર્વેની કામગીરી કરી રહેલા આવકવેરા વિભાગના અધિકારીઓને સંપુર્ણ સહકાર આપી રહ્યાં છીએ. અમને આશા છે કે ટૂંકસમયમાં આ મામલાનો અંત આવી જશે.
ભારતના આવકવેરા વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બીબીસી દ્વારા ટ્રાન્સફર પ્રાઇસિંગ રૂલ્સના ઉલ્લંઘન અને તેના નફાના ડાયવર્ઝનના આરોપો અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવલી હતી. બીબીસીના કેસમાં વર્ષોથી ટ્રાન્ફર પ્રાસિંગ રૂલ્સનું ઉલ્લંઘન થતું રહ્યું છે. તે માટે બીબીસીને સંખ્યાબંધ નોટિસ પણ પાઠવવામાં આવી હતી તેમ છતાં આ ઉલ્લંઘન થતું રહ્યું છે અને બીબીસી તેના નફાને ડાયવર્ટ કરતું રહ્યું છે. અમે કર લાભ સહિત બિનઅધિકૃત લાભો માટે કિંમતો સાથે થતાં ચેડાંની તપાસ કરી રહ્યાં છીએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના અધિકારીઓએ બીબીસીની કચેરીઓ ખાતે ચાલી રહેલી કાર્યવાહીને સર્વે ગણાવતા જણાવ્યું હતું કે આ દરોડા નથી. બીબીસીની ભારત ખાતેની કચેરીઓમાં કેટલીક ગેરરિતીઓ ચાલી રહી હોવાની ચોક્કસ માહિતી મળ્યા બાદ બીબીસી સાથે સંબંધિત કેટલાક મામલાઓમાં તપાસ માટે આ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. ગેરરિતી થઇ છે કે કેમ તે શોધી કાઢવા સર્વેની કાર્યવાહી થતી હોય છે. સર્વેની કામગીરી પૂરી થયા બાદ જ કહી શકાય કે કોઇ પ્રકારની ગેરરિતી કરવામાં આવી છે કે કેમ. સર્વેની કામગીરીમાં આઇટી વિભાગ દ્વારા ફક્ત કચેરીઓ ખાતે તપાસ કરાય છે. કંપનીના પ્રમોટર્સ અથવા તો ડિરેક્ટરોના ઠેકાણા પર દરોડા પડાતા નથી.
બીબીસી એટલે ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન – ભાજપ
ભારતના સત્તાધારી પક્ષ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે, બીબીસી સૌથી ભ્રષ્ટ સંસ્થા છે. બીબીસી એટલે ભ્રષ્ટ બકવાસ કોર્પોરેશન. આવકવેરા વિભાગને તેની કામગીરી કરવા દેવી જોઇએ. જો બીબીસીએ કશું ખોટું કર્યું નથી તો તેણે ભયભીત થવાની જરૂર નથી. ભારતમાં કામ કરતી વખતે બીબીસીએ ઝેર ઓકવું જોઇએ નહીં. બીબીસી ભારત વિરોધી એજન્ડામાં સંડોવાયેલું છે. જ્યાં સુધી તમે ઝેર ઓકતાં નથી ત્યાં સુધી ભારત દરેક સંગઠને તક આપતો દેશ છે.
અઘોષિત કટોકટી, વિનાશકાળે વિપરિત બુદ્ધિ – કોંગ્રેસ
બીબીસીની કચેરીઓ પર ઇન્કમટેક્સની કાર્યવાહીને વડાપ્રધાન મોદી પરની બીબીસીની દસ્તાવેજી ફિલ્મને સાંકળતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, દેશમાં અઘોષિત કટોકટીકાળ ચાલી રહ્યો છે. પહેલા બીબીસીની ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકી દેવાયો અને હવે બીબીસીની સામે આવકવેરાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે અઘોષિત કટોકટી દર્શાવે છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, અમે અદાણીના મામલામાં જેપીસની માગ કરી રહ્યાં છીએ અને સરકાર બીબીસીની પાછળ પડી છે. વિનાશકાળે વિપરિત બુદ્ધિ.
બીબીસીની મોદી વિરોધી ડોક્યમેન્ટરી પર ભારતે પ્રતિબંધ મૂક્યો હતો
જાન્યુઆરી મહિનામાં બીબીસી દ્વારા ઇન્ડિયા- ધ મોદી ક્વેશ્ચન નામની દસ્તાવેજી ફિલ્મ બે ભાગમાં પ્રદર્શિત કરાઇ હતી. જેમાં 2002ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને આજના ભારતમાં મુસ્લિમોની સ્થિતિ અંગે મોદી સરકાર પર ગંભીર આરોપો મૂકાયા હતા. ભારત સરકારે બીબીસીની આ દસ્તાવેજી ફિલ્મને ભારત વિરોધી એજન્ડા ગણાવીને ભારતમાં તેના પ્રસારણ પર રોક લગાવી દીધી હતી.
બીબીસી બ્રિટિશ સરકારના મંતવ્યો રજૂ કરતું નથી – બોબ બ્લેકમેન
બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડોક્યુમેન્ટરી અતિશ્યોક્તિ છે. બીબીસી બ્રિટિશ સરકારના મંતવ્યો રજૂ કરતું નથી. બીબીસીની દસ્તાવેજી ફિલ્મ નબળા પત્રકારત્વનું પરિણામ છે. તેમાં કોઇ પ્રકારનું સંશોધન કરાયું નથી અને સંપુર્ણપણે અનુચિત છે. યુકે અને ભારત સારા મિત્રો છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સ્થાન મળે.
બીબીસી નૈતિકતાના ભાષણો ન આપે – નિતિન મેહતા
સરેના નિતિન મેહતાએ જણાવ્યું હતું કે, અમે બીબીસીને છેક 2015થી પડકારતાં રહ્યાં છે. યુકેમાં સેક્સ સ્કેન્ડલની ભરમાર છે તેમ છતાં બીબીસી એ સેક્સ સ્કેન્ડલોને સ્થાને દિલ્હીમાં એક બસ અકસ્માતમાં મહિલાના મોત પર નૈતિકતાના ભાષણ આપતા કહે છે કે અત્યાચાર ભારતીય સમાજની બીમારી છે. પરંતુ બીબીસીને ઘરઆંગણાના કૌભાંડો દેખાતા નથી. બીબીસીએ સ્વીકારવું જોઇએ કે આ સમસ્યા વિશ્વવ્યાપી છે અને તેમાં પણ બ્રિટન તો સૌથી બદતર ઇતિહાસ ધરાવે છે. બ્રિટનમાં દરરોજ બળાત્કારની ભયાનક ઘટનાઓ સામે આવે છે. બીબીસી તેના પર દસ્તાવેજી ફિલ્મ કેમ તૈયાર કરતું નથી.
મીડિયાને સરકારી એજન્સીઓ દ્વારા ડરાવવાનું જારી – એડિટર્સ ગિલ્ડ
એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, બીબીસી સામેની કાર્યવાહીથી અમે ચિંતિત છીએ. સરકારની નીતિઓ અને સરકારી સંસ્થાનોની ટીકા કરતા મીડિયાને સરકારી એજન્સીઓ દ્વારા ડરાવવાનો નિત્યક્રમ જારી છે. પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની કાર્યવાહીથી ભારતની છબિને નુકસાન પહોંચી રહ્યું છે. માનવ અધિકાર સંગઠન એમનેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ સરકાર પર બીબીસીને ડરાવવા ધમકાવવાનો આરોપ મૂક્યો છે.


