ભારતમાં યોજાઇ રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાંથી મિસ ઇંગ્લેન્ડ મિલા માગી ખસી ગઇ

સુંદરીઓ સાથે વેશ્યા જેવો વ્યવહાર કરાતો હોવાનો મિલા માગીનો આરોપ

Tuesday 27th May 2025 15:22 EDT
 
 

લંડનઃ ભારતના તેલંગણામાં યોજાઇ રહેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાંથી મિસ ઇંગ્લેન્ડ મિલા માગી ખસી ગઇ છે. તેણે આરોપ મૂક્યો છે કે સ્પર્ધાના આયોજકો દ્વારા તેનું શોષણ થઇ રહ્યું હતું. મિસ વર્લ્ડ સ્પર્ધાના 74 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર કોઇ બ્રિટિશ સુંદરીએ ખસી જવાનો નિર્ણય કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, આ સ્પર્ધા જરીપુરાણી થઇ ગઇ છે અને નૈતિકતાના આધારે હું તેમાં ભાગ લઇ શકું તેમ નથી.

મિલાએ જણાવ્યું હતું કે, હું જાણે કે એક વેશ્યા હોઉં તેવી અનુભૂતિ થઇ રહી હતી. સ્પર્ધાના આયોજકોએ જાણે કે મને મનોરંજનનું સાધન બનાવી દીધી હતી. સ્પર્ધાના અમીર પુરુષ આયોજકો સામે પરેડ કરવાની ફરજ પડાયા બાદ મારા પોતાના ગૌરવ અને આત્મસન્માન માટે આ નિર્ણય લેવાની મને ફરજ પડી છે.

તેણે જણાવ્યું હતું કે, હું આ સ્પર્ધામાં કોઇ અલગ અનુભવ માટે ગઇ હતી પરંતુ અમે જાણે કે મદારીના વાંદરા હોઇએ તેવી રીતે અમને બેસાડી રખાયાં હતાં.

મિલા માગીના આરોપ ખોટા અને બદનક્ષીભર્યાઃ મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન

મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશને મિલા માગીના આરોપને ખોટા અને બદનક્ષીભર્યાં ગણાવતાં જણાવ્યું હતું કે, મિસ ઇંગ્લેન્ડના આરોપો વાસ્તવિકતાથી પર છે. ભારત પહોંચ્યા બાદ માગીએ અહીં મળેલા આવકારની ભરપૂર પ્રશંસા કરી હતી. તેના નિવેદનો અને આરોપો વચ્ચે કોઇ મેળ ખાતો નથી અને તદ્દન વિરોધાભાસી છે. અમે મીડિયાને પણ ગેરમાર્ગે દોરતા પાયાવિહોણા આરોપો પ્રસિદ્ધ કરતાં પહેલાં ખરાઇ કરી લે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter