લંડનઃ યુકેમાં ભારતીય વિદ્યાર્થીઓના અગ્રણી પ્રતિનિધિ જૂથ ‘નેશનલ ઈન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલુમની યુનિયન (NISAU-UK)’ દ્વારા ભારતમાં અનિયંત્રિતપણે કાર્યરત બોગસ અને લેભાગુ શૈક્ષણિક એજન્ટ્સથી ચેતતા રહેવા ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે.
યુકેમાં સપ્ટેમ્બરના આગામી શૈક્ષણિક સત્રના આરંભ પહેલાં અહીં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓની ચિંતાને દૂર કરવા તેમને NISAU-UK દ્વારા પહેલી વાર વર્ચ્યુઅલ મંચ અપાયો હતો જેમાં, નોકરીની શક્યતાથી લઈને કોરોના મહામારી અને યુનિવર્સિટીઓ પર લોકડાઉનની અસરો સહિત કેટલાક મુદ્દાની ચર્ચા થઈ હતી. આશરે ૨,૦૦૦ સંભવિત વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ભાગ લીધો હતો. બ્રિટનસ્થિત ભારતીય વિદ્યાર્થીઓના જૂથે ભારતમાં કાર્યરત અને વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરતી સલાહ આપતા લેભાગુ વિઝા એજન્ટોથી ચેતતા રહેવાની સલાહ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં આવા એજન્ટો પર કોઈ સરકારી નિયંત્રણ નથી ત્યારે NISAU-UK દ્વારા ભારત સરકારને આ ક્ષેત્ર પર નિયંત્રણ સાથે તેમને નિયમિત કરવા કહેવાયું હતું. તટસ્થ અને વિશ્વસનીય માહિતી સાથે ભારતીય વિદ્યાર્થીઓની ચિંતા અને શંકાને દૂર કરવા બ્રિટનમાં પહેલી જ વાર એક મંચ યોજાયો હતો. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ પ્રસારિત કાર્યક્રમમાં વર્તમાન વિદ્યાર્થીઓ, તાજેતરમાં ગ્રેજ્યુએટ થયેલા અને આ ક્ષેત્રના નિષ્ણાતોએ વર્ચ્યુઅલ મંચમાં વિદ્યાર્થીઓને ઉત્તર આપી તેમની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભવિષ્યમાં બ્રિટનમાં અભ્યાસ કરવા ઈચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટેના આ કાર્યક્રમમાં યુકેની નવી પોઈન્ટ આધારિત પદ્ધતિ, જાન્યુઆરી ૨૦૨૧થી અમલી થનારી વિઝા સિસ્ટમ તેમજ ગ્રેજ્યુએટ રૂટ વિઝાની સમજણ આપવામાં આવી હતી. ગ્રેજ્યુએટ રૂટ વિઝામાં વિદેશી વિદ્યાર્થીઓને રહેવાની તેમજ ડિગ્રી કોર્સ પૂરો કર્યા પછી બે અથવા તો ત્રણ વર્ષ બ્રિટનમાં નોકરી કરવાની તક અપાય છે.
NISAU-UKના ચેરપર્સન સનમ અરોરાએ જણાવ્યું હતું કે ભારતીય ડાયસ્પોરા સાચી સંપત્તિ છે જેમની માવજત અને પોષણ ભારતના ભાવિને ઘડવા માટે થવાં જોઈએ. જોકે, તેની શરુઆત આપણા યુવાનોને સાચી સલાહ અને માહિતી આપવા સાથે થવો જોઈએ. જે વિદ્યાર્થીઓએ સપ્ટેમ્બર ૨૦૨૦થી યુકેમાં અભ્યાસ કરવાનો નિર્ણય લીધો હશે તેમના માટે ઓગસ્ટના અંત સમયે પ્રી-ડિપાર્ચર બ્રીફિંગ આપવામાં આવશે. આ ગ્રૂપે ઉચ્ચ શિક્ષણ સેક્ટરમાં કોરોના મહામારીની અસરનું મૂલ્યાંકન કરવા ભારતીય વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધર્યો હતો. સર્વે અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૦થી યુકેની યુનિવર્સિટીની ઓફર ધરાવતા લગભગ અડધા વિદ્યાર્થી તેને સ્વીકારવા મુદ્દે અસ્પષ્ટ હતા. જોકે, ૪૫ ટકાએ ઓફર સ્વીકારી હતી અને પ્લાન મુજબ યુકેમાં અભ્યાસ આગળ વધારવાના હતા. માત્ર પાંચ ટકાએ આગામી શૈક્ષણિક વર્ષ સુધી અભ્યાસ મુલતવી રાખવા નિર્ણય લીધો હતો.