ભારતમાં લોર્ડ માઉન્ટબેટનની ભૂમિકા દર્શાવતી નવી ફિલ્મ

Tuesday 31st January 2017 12:47 EST
 
 

લંડનઃ લોર્ડ લૂઈ માઉન્ટબેટનને ભારતના આખરી વાઈસરોય તરીકેની ભૂમિકામાં દેશના લોહિયાળ વિભાજનના ઘડવૈયા તરીકે ચિતરવામાં આવે છે. જોકે, તેમના ગ્રેટ-નેવ્યુ પ્રિન્સ ઓફ વેલ્સ માટે લોર્ડનું આ ચિત્રણ તદ્દન અયોગ્ય જ રહ્યું છે. ‘Viceroy's House’ નામની નવી ફિલ્મમાં ૧૯૪૭ની ખળભળાટ મચાવનારી ઘટનાઓ વિશે લોર્ડ માઉન્ટબેટન પરનું આળ અથવા દોષારોપણ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. આ ફિલ્મના સર્જનમાં પ્રિન્સ ચાર્લ્સની મોટી ભૂમિકા રહી છે.

‘Viceroy's House’ ફિલ્મમાં લોર્ડ માઉન્ટબેટનની ભૂમિકામાં હ્યુજ બોનવિલે અને લેડી એડવિનાની ભૂમિકામાં જિલિયન એન્ડરસન છે. ‘બેન્ડ ઈટ લાઈક બેકહામ’ના સર્જક ગુરિન્દર ચઢ્ઢા આ ફિલ્મની ડિરેક્ટર છે. ગુરિન્દર ભારતના વિભાજન વિશે સંશોધન કરી રહ્યાં હતાં ત્યારે સેન્ટ જેમ્સ પેલેસ રિસેપ્સનમાં તેમની મુલાકાત પ્રિન્સ ચાર્લ્સ સાથે થઈ હતી.

તેઓ લોર્ડ માઉન્ટબેટન વિશે ફિલ્મ બનાવી રહ્યાં હોવાનું કહેતાં જ પ્રિન્સે તેમને મહારાજા અને લોર્ડ માઉન્ટબેટનના એડીસી રહેલા નરેન્દ્રસિંહ લિખિત પુસ્તક ‘The Shadow of the Great Game’ વાંચવાની સલાહ આપી હતી. તેમનો દાવો હતો કે વિભાજન પાછળનું બળ બ્રિટનની ઈચ્છા પાકિસ્તાન તેનું સ્વતંત્ર રાજકીય સાથી બની રહે તેવી હતી, જેથી કરાચી રશિયનોના હાથમાં પડે નહિ. ગુરિન્દરે પાછળથી ફ્રાન્સમાં ભારતીય એમ્બેસેડર બનેલા નરેન્દ્રસિંહની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિટિશ લાઈબ્રેરીમાંથી મળેલા બે ડિક્લાસિફ્લાઈડ સરકારી દસ્તાવેજો વિશે જણાવ્યું હતું. ૧૯૪૫ના ‘વોર કેબિનેટ- ટોપ સિક્રેટ- પોસ્ટ હોસ્ટાલિટીઝ પ્લાનિંગ’ મથાળા સાથેના એક દસ્તાવેજમાં બ્રિટિશ વ્યૂહાત્મક હિતો જાળવવા વિન્સ્ટન ચર્ચિલની મંજૂરી સાથે ભારતના બે ભાગ કરવાનું સૂચન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter