લંડન
એક સપ્તાહના બ્રિટન પ્રવાસે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તેમના વિવિધ કાર્યક્રમોમાં ભારતની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે. વિપક્ષ લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ વિરેન્દ્ર શર્મા દ્વારા બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સ કોમ્પ્લેક્સમાં આવેલા ગ્રાન્ડ કમિટી રૂમ ખાતે આયોજિત સમારોહમાં રાહુલ ગાંધીએ સોમવારે આરોપ મૂક્યો હતો કે ભારતની સંસદમાં વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવે છે. ઘણીવાર વિપક્ષના નેતાઓના માઇક બંધ કરી દેવામાં આવે છે. એવું નથી કે અમારા માઇક કામ કરતાં નથી. તેઓ કામ કરે છે પરંતુ તમે તેને સ્વીચ ઓન કરી શક્તાં નથી. હું સંસદમાં બોલવા ઊભો થયો ત્યારે ઘણીવાર મારી સાથે આવું બન્યું છે. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની સંસદમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની વિપક્ષની માગને પરવાનગી અપાતી નથી. મોદી સરકારના હારાકિરી કરતા નોટબંધીના નિર્ણય પર વિપક્ષને ચર્ચાની પરવાનગી અપાઇ નહોતી. જીએસટી, ભારતીય પ્રદેશમાં ચીની સેનાની ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર ચર્ચાની અમને પરવાનગી અપાઇ ન હતી. મને એ સંસદ યાદ છે જ્યારે તેમાં સશક્ત અને ઉગ્ર ચર્ચાઓ થતી, દલીલો થતી . અસહમતિ હોવા છતાં ચર્ચા થતી હતી. ભારતમાં લોકશાહી હોવી વિશ્વ માટે લાભકારક છે. ભારત એક વિશાળ દેશ છે પરંતુ જો ભારતમાં લોકશાહીને નબળી પાડવામાં આવશે તો સમગ્ર દુનિયામાં લોકશાહી નબળી પડશે. ભારતીય લોકશાહી અમેરિકા અને યુરોપ કરતાં 3 ગણી મોટી છે. ભારતમાં લોકશાહી તૂટશે તો તે સમગ્ર વિશ્વની લોકશાહી માટે મોટા ફટકા સમાન હશે.
ભાજપને એમ લાગે છે કે તે ભારતમાં હંમેશા સત્તા પર રહેશે
ચેથમ હાઉસ ખાતે ચર્ચામાં ભાગ લેતાં રાહુલ ગાંધીએ સોમવારે જણાવ્યું હતું કે, ભાજપને એમ લાગે છે કે તે ભારતમાં હંમેશા સત્તા પર રહેશે પરંતુ એવુ નથી. કોંગ્રેસનો અંત આવી ગયો છે તેમ માનવું પણ મૂર્ખામી છે. ભાજપના 10 વર્ષના શાસન પહેલાં કોંગ્રેસ 10 વર્ષ સત્તા પર રહી હતી. આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધુ સમય કોંગ્રેસે જ દેશને સંભાળ્યો છે.
આરએસએસે દેશની તમામ સંસ્થાઓ પર કબજો જમાવી દીધો છે
બ્રિટિશ સંસદ બાદ લંડનમાં ચેથમ હાઉસ થિન્ક ટેન્ક ખાતે આયોજિત અલગ ઇવેન્ટમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતમાં લોકશાહીનો પ્રકાર બદલાઇ ગયો છે અને તેના માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જવાબદાર છે. તેઓ સત્તામાં આવવા માટે લોકશાહીની દુહાઇ આપે છે અને સત્તામાં આવ્યા પછી લોકતાંત્રિક મૂલ્યોને હાંસિયામાં ધકેલી દે છે. આરએસએસ એક સિક્રેટ સોસાયટી છે જેણે દેશના તમામ બંધારણીય સંસ્થાનો પર કબજો જમાવી દીધો છે. મને નવાઇ લાગે છે કે આરએસએસે કેવી રીતે આ સંસ્થા પર કબજો જમાવી દીધો. પ્રેસ, જ્યુડિશિયરી, પાર્લામેન્ટ, ઇલેક્શન કમિશન એમ તમામ સંસ્થાનો આરએસએસના દબાણ અને ભયમાં છે.
ભારત હવે મુકત વિચારધારા ધરાવતો દેશ રહ્યો નથી
રાહુલ ગાંધીએ રવિવારે લંડનના હાઉસ્લો ખાતે 1500 પ્રવાસી ભારતીયોને સંબોધતા જણાવ્યું હતું કે, ભારત મુક્ત વિચારધારા ધરાવતો અને એકબીજાનું સન્માન કરનારો દેશ હતો પરંતુ હવે બધું તબાહ થઇ ગયું છે. તમે ભારતીય મીડિયાને જોઇ શકો છો. તેના કારણે જ અમે ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું. મને નવાઇ લાગે છે કે એક ભારતીય નેતા બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં આવીને પોતાના વિચારો રજૂ કરી શકે છે પરંતુ ભારતની કોઇ યુનિવર્સિટીમાં જઇને પોતાની વાત રજૂ કરી શક્તો નથી. વિપક્ષ કોઇપણ મુદ્દા પર ચર્ચા કરે તેવું સરકાર ઇચ્છતી નથી. આપણે જાણતા હતા એ ભારત દેશ આ નથી.
બીબીસી પરના દરોડા વાણી સ્વાતંત્ર્ય દબાવી દેવાનું વરવું ઉદાહરણ
ભારતમાં બીબીસીની કચેરીઓ પર આઇટીના દરોડા પર રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, આ દરોડા ભારતમાં વાણી સ્વાતંત્ર્ય દબાવી દેવાનું વરવું ઉદાહરણ છે. બીબીસીને તો હમણા અનુભવ થયો છે પરંતુ ભારતમાં છેલ્લા 9 વર્ષથી આમ જ ચાલી રહ્યું છે. સરકારની ભાટાઇ કરનારા પત્રકારોને પુરસ્કૃત કરવામાં આવે છે. જો બીબીસી સરકાર વિરોધી અહેવાલો બંધ કરે તો તેની સામેના તમામ કેસ પાછા ખેંચાઇ જશે.
ભારતીય લોકશાહી ભયમાં, લોકતાંત્રિક માળખા પર હુમલો
કેમ્બ્રિજ યુનિવર્સિટીની મુલાકાતે પહોંચેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહી ભયમાં છે. મારા સહિત ઘણા રાજકીય નેતાઓની જાસૂસી કરવામાં આવી રહી છે. પેગાસસ જાસૂસી મુદ્દાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મારા સહિત મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓના ફોનમાં ઇઝરાયેલી સ્પાયવેર પેગાસસ ઇન્સ્ટોલ કરીને જાસૂસી કરવામાં આવી હતી. ભારતીય લોકશાહી સતત દબાણ હેઠળ અને ભયમાં છે. લોકશાહી માટે જરૂરી એવું સંસ્થાગત માળખું ધરાશાયી થવાના આરે છે.
લોકશાહીને બચાવવા ભારત જોડો યાત્રા આવશ્યક બની ગઇ હતી
ઇન્ડિયન જર્નાલિસ્ટ એસોસિએશન સાથેની મુલાકાતમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતના લોકતાંત્રિક માળખા પર ક્રુર હુમલો થઇ રહ્યો હોવાથી લોકશાહીને બચાવવા ભારત જોડો યાત્રા આવશ્યક બની ગઇ હતી. ભાજપ ભારતને ચૂપ કરાવી દેવા ઇચ્છે છે કારણ કે તે જનતાની સંપત્તિ તેના મિત્રોને સોંપી દેવા માગે છે. જનતાનું ધ્યાન અન્યત્ર દોરીને ચાર પાંચ અમીરોને દેશની સંપત્તિ સોંપી દેવાની નેમ છે. છેલ્લા 70 વર્ષથી ભારતમાં કોઇ વિકાસ થયો નહોતો તેવા આરોપો મૂકીને વડાપ્રધાન મોદી દરેક ભારતીય અને તેમના દાદાદાદીનું અપમાન કરી રહ્યાં છે.


