લંડનઃ ટી ઈન્ડિયા અને એક્શન વિલેજ ઈન્ડિયા ભારતમાં ગ્રામીણ કોમ્યુનિટીઓની ૯૦૦ છોકરીઓને સેકન્ડરી એજ્યુકેશનમાં સહાય કરવાના પ્રોજેક્ટમાં ભાગીદાર બન્યા છે. ટી ઈન્ડિયાની પેરન્ટ કંપની હેરિસ ફ્રાીમાન એન્ડ કંપની દ્વારા સ્થાપિત ચેરિટી હેરિસ ફ્રીમાન ફાઉન્ડેશન દ્વારા છોકરીઓના અભ્યાસ માટે ભંડોળ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ ભારતના ગરીબ અને પછાત ઝારખંડ અને બિહારમાં કાર્યરત થશે.
કંપની ચાના બગીચાઓ ધરાવે છે તે વિસ્તારની કોમ્યુનિટીઓ માટે લાંબા સમયની પ્રતિબદ્ધતા ધરાવે છે. સામાન્ય રીતે અભ્યાસ છોડી દેતી ૧૨થી ૧૭ વર્ષની છોકરીઓને મદદ કરવા એક્શન વિલેજ ઈન્ડિયા અને તેના પાર્ટનર નવ ભારત જાગૃતિ કેન્દ્રને સહાય કરશે. ભારતમાં લૈંગિક ભેદભાવના વધુ પ્રમાણના કારણે ખાસ કરીને ગ્રામ્ય અને પછાત વર્ગની કોમ્યુનિટીની સ્ત્રીઓ અને છોકરીઓનો દરજ્જો નીચે રહે છે. નીચલી કોમ્યુનિટીઓમાં છોકરીઓ નાની વયથી બાળઉછેર અને ધરેલુ કામકાજમાં જોતરાયેલી રહે છે. છોકરાને પ્રાથમિકતા, બાળલગ્નો અને બાળકોને વહેલા જન્મ આપવા જેવા મુદ્દાઓ પણ તેમને અસર કરે છે. ગરીબીના કારણે પણ તેઓ અભ્યાસ ચાલુ રાખી શકતા નથી.
આ પ્રોજેક્ટના કારણે છોકરીઓને ગરીબીમાંથી બહાર આવવાં, સશક્તિકરણના અવરોધ પર વિજય સાથે તંદુરસ્ત અને વધુ ઉત્પાદક જીવન તરફ આગળ વધવામાં મદદ મળશે. તેના કારણે બાળલગ્નો ઘટશે તેમજ છોકરીઓ, છોકરાઓ, પરિવારો અને કોમ્યુનિટીઓના જીવનધોરણમાં સુધારો પણ આવશે.