ભારતમાંથી બ્રિટિશરોને લઈ જવા ચાર્ટર્ડ ફ્લાઈટ્સનો પાંચમો રાઉન્ડ

સાત ફ્લાઈટ્સ અમૃતસરથી લંડન સુધી ૫,૬,૭.૮,૯,૧૦ અને ૧૧મેએ રવાના થશેઃ આ પાંચમા રાઉન્ડ સાથે ભારતથી યુકે લઈ જવાયેલી ૫૯ ફ્લાઈટ્સ

Sunday 03rd May 2020 01:27 EDT
 

નવી દિલ્હી, લંડનઃ યુકેએ ભારતમાં અટવાયેલા ૨,૦૦૦થી વધુ બ્રિટિશ પર્યટકોને સ્વદેશ પરત લઈ જવા વધુ સાત ચાર્ટર્ડ ફ્લાઈટ્સની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ્સ પૂર્ણ થવા સાથે ૧૫,૦૦૦થી વધુ બ્રિટિશ પર્યટકો ૫૯ ફ્લાઈટ્સ દ્વારા ભારતથી યુકે પહોંચી જશે. આ સાત ફ્લાઈટ્સ અમૃતસરથી લંડન સુધી ૫,૬,૭.૮,૯,૧૦ અને ૧૧મેએ રવાના થનાર છે.

સાઉથ એશિયા અને કોમનવેલ્ત માટે મિનિસ્ટર ઓફ સ્ટેટ લોર્ડ તારિક અહેમદ ઓફ વિમ્બલ્ડને જણાવ્યું હતું કે, ‘અમારા ચાર્ટર ફ્લાઈટ પ્રોગ્રામે ભારતમાંથી ૮ એપ્રિલથી માંડી લગભગ રોજ ફ્લાઈટ દ્વારા ૧૦,૦૦૦થી વધુ બ્રિટિશરોને સ્વદેશ મોકલી આપ્યા છે અને હજુ હજારો પ્રવાસી આગામી દિવસોમાં યુકે પહોંચશે. આ વધારાની સાત ફ્લાઈટ્સથી ૨,૦૦૦થી વધુ બ્રિટિશ નાગરિકો સ્વુદેશ પહોંચશે. આ કામગીરીમાં મદદ માટે હું ભારત સરકારનો આભાર માનું છું.’

ભારતસ્થિત બ્રિટિશ કાર્યકારી હાઈ કમિશનર જાન થોમ્પસને જણાવ્યું હતું કે,‘ફ્લાઈટ્સના આ પાંચમા રાઉન્ડ સાથે ભારતથી યુકે લઈ જવાયેલી ૫૯ ફ્લાઈટ્સ થશે. સપ્તાહોથી દેશના વિવિધ ભાગોમાંથી રોજ ફ્લાઈટ્સનું આયોજન કરાયું હતું જેનાથી, હજારો લોકો બ્રિટનમાં તેમના પરિવાર અને મિત્રો પાસે પરત પહોંચી શક્યા છે. હું અને મારી ટીમ ભારતમાં રહેલા બ્રિટિશરોને મદદ કરવા તમામ કરીશું.’

અગાઉની ફ્લાઈટ્સની માફક જ વિમાનોમાં બેઠકો સરકારના ઓનલાઈન બૂકિંગ પોર્ટલ CTM પર રજિસ્ટર્ડ થયેલા લોકોને ફાળવવામાં આવશે. ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનનો સ્ટાફ યુકે પાછાં ફરવાની રાહ જોઈ રહેલાની મદદમાં રહેશે. આ માટે કોન્સ્યુલર હેલ્પલાઈન નંબર્સ નવી દિલ્હીઃ +91 (11) 2419 2100, ચેન્નાઈઃ +91 (44) 42192151 અને મુંબઈ/ગોવા +91 (22) 6650 2222નો સંપર્ક કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter