ભારતવંશી જતિન્દર કુમારને ટોપ નેશનલ બસ ડ્રાઈવરનો એવોર્ડ

Tuesday 26th November 2019 08:38 EST
 
 

લંડનઃ નોટિંગહામ સિટી ટ્રાન્સપોર્ટ (NCT)ના બસ ડ્રાઈવર જતિન્દર કુમારે ટોપ નેશનલ બસ ડ્રાઈવરનું પ્રતિષ્ઠિત ટાઈટલ હાંસલ કર્યું છે. જતિન્દર કુમારે સમગ્ર દેશના હજારો ડ્રાઈવર્સ સાથે સ્પર્ધા કરીને એવોર્ડ મેળ્યો છે. આ સાથે NCTને લંડનમાં આયોજિત યુકે બસ એવોર્ડ્ઝ ૨૦૧૯માં પાંચ એવોર્ડ મળ્યા છે.

ટોપ નેશનલ બસ ડ્રાઈવરનું પ્રતિષ્ઠિત ટાઈટલ અસાધારણ કસ્ટમર સર્વિસ તેમજ પ્રવાસીઓની અપેક્ષા કરતાં હંમેશાં વધુ સારી કામગીરી દર્શાવવાની નોંધપાત્ર સિદ્ધિ છે. આ ટાઈટલ વોલ્વો બસ દ્વારા સ્પોન્સર કરાયું છે. નોટિંગહામ બસ કંપનીએ ગયા વર્ષે એરોન જ્હોન્સને મેળવેલા એવોર્ડ સાથે બીજી વખત આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો છે.

આ એવોર્ડ મેળવવાના છ દાવેદારોમાં ભારતીય મૂળના સ્પર્ધકો જતિન્દર કુમાર અને ગુરનામ સિંહ હતા. મૂળ પંજાબના હોશિયારપુર જિલ્લાના નંદાચોર ગામના રહેવાસી જતિન્દર કુમારે સ્થાનિક અખબાર નોટિંગહામ લાઈવને જણાવ્યું હતું કે, ‘તમે નામાંકન થવા સાથે સ્વપ્નાની શરૂઆત થાય છે. મેં કદી આ બાબતે વિચાર્યું નથી. હું વાસ્તવમાં સામાન્ય માણસ છું, જે નોકરી માટે સંઘર્ષ કરે છે.’ નોટિંગહામ નગર પરિવહનમાં કામગીરી બજાવતા જતિન્દરની બે બહેન ભારતમાં વસે છે જેમનું શિક્ષણ જતિન્દરે પૂર્ણ કરાવ્યું છે. અન્ય લોકોને પ્રાથમિકતા આપવાનો તેનો સ્વભાવ છે.

NCTએ ટોપ સિટી ઓપરેટર કેટેગરીમાં યુકે બસ ઓપરેટર ઓફ ધ યર ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેણે અગાઉ, ૨૦૦૪, ૨૦૧૨,૨૦૧૪ અને ૨૦૧૬માં પણ યુકે બસ ઓપરેટર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં આ એવોર્ડઝ ‘બસ ઈન્ડસ્ટ્રી એવોર્ડ્ઝ’ નામથી ઓળખાતા હતા પરંતુ, ૨૦૦૫માં તેનું નામ બદલી ‘યુકે બસ એવોર્ડ્ઝ’ રખાયું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter