ભારતવંશી ડો. સ્વાતિ ધીંગરા બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પેનલમાં નિયુક્ત

Wednesday 18th May 2022 02:42 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના અગ્રણી એકેડેમિક ડો. સ્વાતિ ધીંગરાની બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મોનેટરી પેનલમાં નિમણૂક કરવામાં આવી છે. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (LSE)માં ઈકોનોમિક્સના એસોસિયેટ પ્રોફેસર ડો. ધીંગરા બેન્ક ઓફ ઈંગ્લેન્ડની ઈન્ટરેસ્ટ રેટ-સેટિંગ કમિટીમા બાહ્ય સભ્ય તરીકે નિમણૂક મેળવનારા ભારતીય મૂળના પ્રથમ મહિલા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ઈકોનોમિક્સ અને એપ્લાઈડ માઈક્રોઈકોનોમિક્સના નિષ્ણાત છે.

ડો. સ્વાતિ ધીંગરાએ દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે તેમજ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી માસ્ટર્સ ડીગ્રી હાંસલ કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનમાંથી MS અને PhD ડીગ્રીઓ મેળવેલી છે. તેઓ 9 ઓગસ્ટે મોનેટરી પોલિસી કમિટી (MPC)માં 3 વર્ષના કાર્યકાળ માટે જોડાશે. MPCમાં બેન્ક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર, તેના ત્રણ ડેપ્યુટી ગવર્નર્સ, મોનેટરી પોલિસીની જવાબદારી ધરાવતા બેન્કના એક સભ્ય તેમજ ચાન્સેલર દ્વારા નિયુક્ત બહારના ચાર સભ્યનો સમાવેશ થાય છે. ચાન્સેલર રિશિ સુનાકે ગત સપ્તાહે આ નિયુક્તિની જાહેરાત કરી હતી. બેંક ઓફ ઈંગ્લેન્ડના ગવર્નર એન્ડ્રયુ બેઈલીએ ડો. ધીંગરાની નિમણૂકને આવકારી કહ્યું હતું કે એકેડેમિક સભ્યના વિચારો અને દૃષ્ટિકોણ બેન્કની ચર્ચાઓમાં ભારે લાભકારી બની રહેશે.

ઓગસ્ટ 2016થી કાર્યરત વર્તમાન બાહ્ય સભ્ય માઈકલ સૌન્ડર્સના સ્થાને આવનારાં ડો. સ્વાતિ ધીંગરાએ પોતાની નિયુક્તિ વિશે જણાવ્યું હતું કે,‘મહામારી અને યુદ્ધના વૈશ્વિક પડકારોની વચ્ચે અભૂતપૂર્વ જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરી રહેલા યુકે માટે કમિટીનું કાર્ય અતિ મહત્ત્વનું છે. બેન્કના વિશાળ નિષ્ણાત જ્ઞાનમાંથી શીખવાનું અને સાંભળવા તથા સમજાવવા માટે પ્રાદેશિક મુલાકાતો તેમજ કમિુટીના મહત્ત્વપૂર્ણ નીતિવિષયક નિર્ણયો અંગે પુરાવા રજૂ કરવાનું આ સન્માન છે.’ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં કામગીરી ઉપરાંત, ડો. સ્વાતિ ધીંગરા કાઉન્સિલ ઓફ ધ રોયલ ઈકોનોમિક સોસાયટીના ચૂંટાયેલાં સભ્ય તેમજ ‘રિવ્યૂ ઓફ ઈકોનોમિક સ્ટડીઝના એડિટોરિયલ બોર્ડમાં છે અને ‘જર્નલ ઓફ ઈન્ટરનલ ઈકોનોમિક્સ’ના એસોસિયેટ એડિટર, સેન્ટર ફોર ઈકોનોમિક પરફોર્મન્સ ખાતે ટ્રેડ પ્રોગ્રામના રિસર્ચ એસોસિયેટ અને સેન્ટર ફોર ઈકોનોમિક પોલિસી રિસર્ચના રિસર્ચ ફેલો પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter