લંડનઃ ભારતમાં જન્મેલા અને બિહારથી મેડિકલ ડીગ્રી ધરાવતા PIO ડોક્ટર કૃષ્ણ બલ્લભ પ્રસાદ સિંહને બ્રિટનમાં તેમની 35 વર્ષની કારકિર્દીમાં 48 મહિલા પેશન્ટ્સ સામે 54 સેક્સ અપરાધ આચરવાના દોષિત ઠરાવાયા છે. જનરલપ્રેક્ટિશનર કૃષ્ણ સિંહ વિરુદ્ધ મહિલા દર્દીઓની બિનજરૂરી અયોગ્ય તપાસ, ચૂંબન-સ્તન સાથે છેડછાડ, અજૂગતી-અશ્લીલ ટિપ્પણીઓ કરવાના આક્ષેપો હતા. ગ્લાસગો હાઈ કોર્ટની જ્યુરીએ 72 વર્ષીય ડોક્ટરને ફેબ્રુઆરી 1983થી મે 2018 વચ્ચે સગીરાઓ સહિત અનેક મહિલા દર્દીઓ સાથે યૌન ઉત્પીડન (Sexual Harassment) મામલે દોષી ઠેરવ્યો હતો અને આગામી મહિને તેને સજા જાહેર કરાશે. ડોક્ટર સિંહને હેલ્થકેર ક્ષેત્રની સેવા માટે 2013માં MBE એવોર્ડ એનાયત કરાયો હતો.
જોકે, ભારતીય તબીબે ગ્લાસગો હાઇ કોર્ટમાં આ તમામ આક્ષેપ નકારી દલીલ કરી હતી કે ભારતમાં દર્દીની તપાસ માટે અપાયેલી તાલીમ મુજબ જ તેઓ દર્દીની તપાસ કરતા હતા. ડોક્ટર કૃષ્ણ બલ્લભે 1974માં પટના મેડિકલ કોલેજમાંથી MBBSનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને 1976માં બ્રિટનમાં પ્રેક્ટિસ કરવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે આ કેસના પગલે જનરલ મેડિકલ કાઉન્સિલે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
ડોક્ટર કૃષ્ણ સિંહ સામે આક્ષેપ હતો કે તેઓ દર્દીઓના ઘરની મુલાકાત વખતે પણ આવી હરકતો કરતા હતા. તેમણે 48 મહિલા દર્દી સાથે જાતીય અપરાધ અને સતામણી કર્યાની રજૂઆત કરતા ફરિયાદ પક્ષના વકીલ અંગાલ ગ્રેએ કોર્ટને જણાવ્યું હતું કે મહિલા દર્દીઓની છેડતી કરવી ડો. સિંહ માટે તેમની કાર્યશૈલીની રૂટિન બાબત હતી. મોટા ભાગના ગુના મેડિકલ એક્ઝામિનેશન દરમિયાન આચરાયા છે પરંતુ, ડોક્ટર પર પોલીસ સ્ટેશનમાં દર્દી સાથે મારપીટનો પણ આરોપ લાગ્યો છે. મહિલાઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે આ અંગે કોઈ ફરિયાદ નહોતી કરી. વર્ષ 2018માં 'મીટૂ' (#MeToo) ચળવળથી પ્રેરિત મહિલા દર્દીએ ડોક્ટર પર આરોપ લગાવ્યા પછી પોલીસે તપાસ આરંભી હતી. એક મહિલાએ લગાવેલા આરોપ પ્રમાણે ડોક્ટરે તેના રોગ માટે ‘સેક્સ સૌથી સારી દવા’ હોવાનું કહ્યું હતું. અન્ય એક વ્યક્તિએ કોર્ટને જણાવ્યું કે, તેણે ડોક્ટરને પોતાની ગર્ભવતી પત્ની સાથે ખોટી હરકતો કરતાં પકડ્યો હતો.
દરમિયાન, બ્રિટિશ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO)ના અધ્યક્ષ ડો. રમેશ મેહતાએ જણાવ્યું કે, ‘ભારતીય મૂળના ડોક્ટરને આ પ્રકારના જઘન્ય કૃત્યોમાં સામેલ જોવા તે દુઃખદ છે. ભારતીય ડોક્ટર્સ રોગીની સારસંભાળ માટે પોતાની ઈમાનદારી માટે પ્રખ્યાત છે.’


