લંડનઃ માન્ચેસ્ટરમાં ભારતીય મૂળના પેથોલોજીસ્ટ ખાલીદ અહેમદ સામે પર કઢંગી રીતે પોસ્ટમોર્ટમ કરવાનો અને મોતનાં ખોટા કારણ દર્શાવવાનો આરોપ મુકાયો હતો. ખાલિદ વિરુદ્ધ ક્રિમિનલ કેસ થઈ શકે કે કેમ તેની તપાસ પોલીસે આદરી છે. એક તપાસ અહેવાલ અનુસાર તેના દ્વારા કરાયેલા પરીક્ષણો પેથોલોજીની પરીક્ષાના માન્ય માપદંડ અનુસારના પણ ન હતા.
માન્ચેસ્ટરમાં રોયલ ઓલ્ધામ હોસ્પિટલનાં કન્સલ્ટન્ટ હિસ્ટોપેથોલોજીસ્ટ તરીકે ફરજ બજાવતા ખાલીદ અહેમદે ઉત્તર માન્ચેસ્ટર કોરોનરની ઓફિસ માટે અનેક પોસ્ટમોર્ટમ ટેસ્ટ કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે એણે અનેક વખતે દર્દીના મોતનું કારણ ખોટું લખ્યું હતું અને શરીરના અવયવોને ખોટી રીતે ઓળખ્યા હતા. ગત મે મહિનામાં ઉત્તર માન્ચેસ્ટર કોરોનરની ઓફિસે ખાલીદે કરેલા પોસ્ટમોર્ટમ અંગે શંકા અને તાજેતરની સમીક્ષામાં તેના અયોગ્ય રિપોર્ટ સાથે નોંધપાત્ર ચિંતા પણ વ્યક્ત કરી હતી.
શેફિલ્ડ ટીચિંગ હોસ્પિટલના કન્સલટન્ટ હિસ્ટોપેથોલોજીસ્ટ પ્રો. સાયમન કિમ સુવર્ણાએ બેંગલૂરુમાં ૧૯૮૯માં મેડિકલ નિષ્ણાત બનેલા અહેમદ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમની સમીક્ષા કરી હતી. તેણે કેટલાક રિપોર્ટમાં મોતનું કારણ ખોટું ગણાવ્યું હતું. સુવર્ણાના અહેવાલમાં એવું પણ કહેવાયું હતું કે અહેમદના ટેસ્ટ પેથોલોજીના વિદ્યાર્થીઓ માટે ફાયનલ પરીક્ષામાં પાસ થવા માટે જે સ્ટાન્ડર્ડ હોય છે તેવા પણ ન હતા.
અંતે કોરોનર પોલીસ તપાસ માટે અહેમદને રિફર કર્યો હતો. હજુ પણ પોલીસ તપાસ ચાલુ છે. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે કોરોનરને સોંપવામાં આવેલા રિપોર્ટના સંબંધમાં કોઈ ગુનાઈત કલમ લાગુ કરી શકાય કે કેમ તે અમે તપાસી રહ્યા છીએ. ખાલીદ અહેમદ જાન્યુઆરી ૨૦૦૭માં પેન્નીન એક્યુટ નેશનલ હેલ્થ સ્કીમમાં જોડાયો હતો અને પરંતુ હવે ત્યાં નોકરી કરતો નથી.