ભારતવંશી મેહુલ ગર્ગનો IQ આઇન્સ્ટાઇન અને હોકિંગથી વધુ

Wednesday 31st January 2018 05:37 EST
 
 

લંડનઃ બર્કશાયરના વોકિંગહામનો ભારતીય મૂળનો ૧૦ વર્ષીય મેહુલ ગર્ગ મેન્સા આઇક્યૂ ટેસ્ટમાં એક દાયકામાં સૌથી વધુ ૧૬૨નો સ્કોર મેળવનાર જીનિયસ બન્યો છે. મેહુલે આઇક્યૂ ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ જેવી મહાપ્રતિભાઓને પણ પાછળ રાખી દીધી છે, જેમણે ૧૬૦નો સ્કોર મેળવ્યો હતો. ગર્વ લેવા જેવી બાબત એ છે કે ઓગસ્ટ ૨૦૧૭માં મેહુલના ૧૩ વર્ષીય મોટાભાઈ ધ્રૂવ ગર્ગે પણ ૧૬૨નો સ્કોર હાંસલ કર્યો હતો.

‘માહી’નું હુલામણું નામ ધરાવતો મેહુલ અને મોટા ભાઈ ધ્રૂવ ગર્ગ દક્ષિણ ઇંગ્લેન્ડના બર્કશાયરમાં રીડિંગ બોયઝ ગ્રામર સ્કૂલના વિદ્યાર્થી છે. તેઓ બંને હાઇ આઇક્યૂ સોસાયટી મેન્સાના સભ્ય બની ગયા છે. કોઈ વ્યક્તિને જીનિયસ ગણવા માટેનો હાઈ આઈક્યુ સોસાયટી મેન્સાનો બેન્ચમાર્ક ૧૪૦ છે. આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગે ૧૬૦નો સ્કોર મેળવ્યો હતો. મેહુલ અને ધ્રૂવ ૧૬૨ના સ્કોર સાથે વિશ્વમાં ૧ ટકા જીનિયસમાં સ્થાન મેળવે છે. મેહુલ ચેનલ ફોરના ‘ચાઈલ્ડ જીનિયસ ૨૦૧૮’ શો માટે ટોપ ૧૦૦ સ્પર્ધકમાં શોર્ટલિસ્ટ કરાયો છે.

મેહુલની માતા દિવ્યા ગર્ગે કહ્યું હતું કે, ‘માહી અત્યંત સ્પર્ધાત્મક છે. તેના મોટાભાઇએ પણ ગત વર્ષે આટલો જ સ્કોર હાંસલ કર્યો હતો. આથી, તે પણ તેના ભાઇથી ઓછો ઇન્ટેલિજેન્ટ નથી તેમ સાબિત કરવા માગતો હતો. મેહુલે કહ્યું હતું કે પેપરમાં સમાનતાઓ અને વ્યાખ્યાઓ સહિત તેની ભાષાકીય કુશળતા અને તર્કશક્તિને ચકાસાઈ હતી.’ સમયના દબાણ હેઠળની પરીક્ષાએ ૧૦ વર્ષનો મેહુલ ભારે નર્વસ હતો પરંતુ, તેના પિતા ગૌરવ ગર્ગે તેની હિંમત વધારી હતી. શરુઆતના થોડા પ્રશ્નો સોલ્વ કર્યા પછી મેહુલ હળવો બન્યો હતો. રિઝલ્ટ મેળવ્યા પછી મેહુલે કહ્યું હતું કે,‘ રિઝલ્ટ મળતાં જ મારી આંખમાં આંસુ આવી ગયા હતા.’

૧૦૦ સેકન્ડથી ઓછાં સમયમાં રુબિક્સ ક્યુબનો કોયડો ઉકેલતા તથા ક્રિકેટ અને આઈસ-સ્કેટિંગમાં રસ ધરાવતા મેહુલનો પ્રિય વિષય મેથેમેટિક્સ છે. તેની મહત્ત્વાકાંક્ષા ગુગલ જેવી મુખ્ય ટેક કંપનીના વડા બનવાની છે. તેને ડ્રમ વગાડવામાં પણ ઊંચા ગુણ મેળવવા આગળ વધી રહ્યો છે. મેહુલ અને તેનો ભાઈ બીજા પ્રોજેક્ટ્સ માટે પણ સમય ફાળવે છે અને હાલ પડોશીઓને અસરપરસ સાંકળીને સામાજિક એકલતા દૂર કરતી એપ્લિકેશનના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરી રહ્યા છે. તેમણે ઓનલાઈન ફંડ રેઈઝિંગ પેજથી ૧૩૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી છે. તેમની માતા દિવ્યા ગર્ગના કહેવા અનુસાર ‘બંને ભાઈ વિશ્વને બહેતર બનાવવા ઈચ્છે છે. મને આશા છે કે તેઓ હંમેશા આ માર્ગે ચાલશે. મારાં માટે તેમના માર્ક્સ કરતાં આ વધુ મહત્ત્વનું છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter