લંડનઃ ભારતીય મૂળની 19 વર્ષીય બ્રિટિશ વિદ્યાર્થિની સબિતા થનવાણીની હત્યાના સંદર્ભે મેટ્રોપોલિટન પોલીસે તેના કહેવાતા 22 વર્ષીય ટ્યુનિશિયન બોયફ્રેન્ડ માહેર મારૂફની ધરપકડ કરી હતી. શનિવાર, 19 માર્ચની વહેલી સવારે લંડનના ક્લર્કેન્વેલ વિસ્તારમાં સેબાસ્ટિયન સ્ટ્રીટના આર્બર હાઉસ ખાતેના એક ફ્લેટમાંથી સબિતાનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની ગરદન પર ગંભીર ઈજાનાં નિશાન હતાં.
સબિતા લંડન સિટી યુનિવર્સિટીમાં સાયકોલોજીનો અભ્યાસ કરતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મારૂફ અને સબિતા થાનવાણી વચ્ચે પ્રેમસંબંધ હતો. સબિતા શુક્રવારે મારૂફ સાથે જોવા મળી હોવાનું પણ કહેવાય છે. હાલ હત્યાનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું અને આ મામલે પોલીસતપાસ ચાલી રહી છે. અગાઉ, સ્કોટલેન્ડ યાર્ડે માહેર મારૂફને પકડવા તાત્કાલિક જાહેર અપીલ કરી હતી. આ પછી, સબિતાનો મૃતદેહ મળી આવ્યાના એક દિવસ પછી, રવિવારની બપોરે ક્લર્કેન્વેલના એ જ વિસ્તારમાંથી સબિતાની હત્યા અને પોલીસ પર હુમલાના આરોપસર મારૂફની ધરપકડ કરાઈ હતી
મેટ્રોપોલિટન પોલીસની વિશેષ અપરાધ શાખાના ડિટેક્ટિવ ચીફ ઈન્સ્પેક્ટર લિન્ડા બ્રેડલીએ જણાવ્યું કે, ‘સબિતાના પરિવારને આ ઘટનાની જાણકારી આપી દેવાઈ છે. અમે તેમના પ્રત્યે ગાઢ સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાં હું સૌ કોઈને તેમની પ્રાઈવસીનું સન્માન કરવા અપીલ કરું છું.’
તેમણે જણાવ્યું કે, મારૂફ અને સબિતા વચ્ચે પ્રેમસંબંધ હતા પરંતુ, મારૂફ વિદ્યાર્થી નથી. તે એક ટ્યુનિશિયન નાગરિક છે જેની કોઈ વિગતો અમારા પાસે નથી.


