લંડનઃ બ્રિટિશ સરકારે ભારતવિરોધી છ સંગઠનો પર પ્રતિબંધ યથાવત રાખવાની જાહેરાત કરી છે. પ્રતિબંધનો સમયગાળો પુરો થવાના પગલે તે પ્રતિબંધને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે.
ભારતના કહેવાથી આ પ્રતિબંધો મુકવામાં આવ્યા હતા. પ્રતિબંધિત સંગઠનોમાં ચાર જમ્મુ અને કાશ્મીર સાથે જોડાયેલા છે જેમાં હરકત ઉલ જિહાદ (૨૦૦૫માં પ્રતિબંધ), હરકત મુજાહિદીન (૨૦૦૧માં પ્રતિબંધ), જૈશ-એ-મોહમ્મદ અને અન્ય ગ્રુપ જેમ કે ખુદ્દમ ઉલ ઇસ્લામ અને જમાત ઉલ ફરકુઆનનો સમાવેશ થાય છે. બ્રિટનમાં એન્ટિ-ટેરરિઝમ એક્ટ ૨૦૦૦ અંતર્ગત આ સંગઠનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પ્રતિબંધને પગલે આ સંગઠનો બ્રિટનમાં કોઇ પણ પ્રકારની પ્રવૃતિ નહિ કરી શકે. આ પહેલા ૨૦૦૧માં ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન પર મુકાયેલો પ્રતિબંધ ૨૦૧૬માં માર્ચ મહિનામા ઉઠાવી લેવાયો હતો. હાલમાં જે સંગઠનો પર પ્રતિબંધ મુકાયા છે તેમાં અલગ ખાલિસ્તાનની માગણી સાથે રચાયેલા બબ્બર ખાલસાનો પણ સમાવેશ થાય છે. આ શીખ સંગઠન અનેક હિંસક ઘટનાને અંજામ આપી ચુક્યું છે.