ભારતવિરોધી પંજો પ્રસારી રહ્યું છે CFoK

હવે ભારતીયોએ એક થવું જ રહ્યું

રુપાંજના દત્તા Thursday 22nd October 2020 16:17 EDT
 

લંડનઃ ભારતવિરોધી લાગણીઓને સમર્થન આપતા કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ કાશ્મીર (CFoK) જેવા ક્ષુલ્લક ગ્રૂપને યુકેના કન્ઝર્વેટીવ પાર્ટીના સાંસદો દ્વારા સમર્થનમાં વધારો થતાં ભારતીય ડાયસ્પોરામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સ્વનિર્ણયના અધિકાર માટે ચળવળ ચલાવી રહેલા આ જૂથમાં હવે સ્ટોક-ઓન-ટ્રેન્ટ નોર્થના કન્ઝર્વેટિવ સાંસદ જોનાથન ગુલીસ પણ સામેલ થયા છે. ગ્રૂપે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘સ્ટોક-ઓન-ટ્રેન્ટ નોર્થના કન્ઝર્વેટિવ સાંસદ જોનાથન ગુલીસનો ટેકો મળવાથી આનંદ થયો છે. અમારા પાર્લામેન્ટરી સભ્યોની સંખ્યા વધી રહી છે!’
‘ગુજરાત સમાચાર’ - Asian Voiceને જાણવા મળ્યા અનુસાર કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્ઝ ઓફ ઈન્ડિયાના પેટ્રન લોર્ડ રેમી રેન્જર CBE અને લોર્ડ ડોલર પોપટે આ ગ્રૂપને ફરીથી લોન્ચ કરનારા સાંસદોને એક ખાનગી બેઠકમાં સમજાવ્યું હતું કે CFoKએ ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કર્યા વિના તેમજ ભારતવિરોધી લાગણીને ઉત્તેજન ન મળે તે રીતે બ્રિટિશ કાશ્મીરીઓના તર્કસંગત હિતોને આગળ વધારવા જોઈએ. જોકે, આ ગ્રૂપમાં નવા સભ્યની સામેલગીરીના સમાચાર મળતા જ લોર્ડ રેમી રેન્જર રોષે ભરાયા છે.
બીજી તરફ, અન્ય ટ્વીટમાં CfoKએ જણાવ્યું હતું કે, ‘@CFoKashmirએ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે સત્તાવાર જોડાણ કરવાની ઈચ્છા દર્શાવી નથી. કન્ઝર્વેટિવ પરિવારમાં અન્ય ઘણા લોકોની માફક અમે પણ નીતિઓની પ્રશંસા અને ટીકા કરવા માગીએ છીએ. સૌથી વધુ તો અમે એ દર્શાવવા ઈચ્છીએ છીએ કે પાર્ટી યુકે કાશ્મીરી ડાયસ્પોરા માટે ખુલ્લી છે.’

ઉલ્લેખનીય છે કે કન્ઝર્વેટિવ પાર્ટીના સાત સાંસદોએ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં સ્વનિર્ણયના અધિકાર માટે કેમ્પેઈન ચલાવવા માટે સપ્ટેમ્બરની મધ્યમાં આ નાના ગ્રૂપને ફરી લોન્ચ કર્યું હતું.
આ ગ્રૂપના સાત ટોરી સભ્યોમાં પોલ બિર્સ્ટો, જેમ્સ ડાલી, જેક બ્રેરેર્ટોન, સ્ટીવ બેકર, માર્ક ઈસ્ટવૂડ, સારાહ બ્રિટક્લીફ અને એન્ટોની હિગિનબોથામનો સમાવેશ થયો હતો. હવે સાંસદ જોનાથન ગુલીસ પણ તેમની સાથે જોડાયા છે.
આ સાંસદો મુખ્યત્વે ગણનાપાત્ર પાકિસ્તાની વસ્તી ધરાવતા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે તેમજ પોલ બિર્સ્ટો, જેમ્સ ડાલી, જેક બ્રેરેર્ટોન લેબર પાર્ટીના સાંસદ ડેબી અબ્રાહમ્સની અધ્યક્ષતા હેઠળના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન કાશ્મીર (APPGK)ના સભ્યો પણ છે.
યુકેસ્થિત ભારતીયો કન્ઝર્વેટિવ પાર્ટી માટે મહત્ત્વની વોટબેન્ક છે. એક સમયે છેક ૧૯૪૭થી લેબર પાર્ટી ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે કુદરતી પસંદ બની રહી હતી ત્યારે પૂર્વ ટોરી વડા પ્રધાન ડેવિડ કેમરનના સ્વાગતપૂર્ણ ઉત્સાહ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મિત્રતાએ મતદારોને કન્ઝર્વેટીવ પાર્ટી તરફ વાળવામાં મોટી ભૂમિકા ભજવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter