લંડનઃ ભારતી એન્ટરપ્રાઇઝના સ્થાપક અને ચેરમેન સુનિલ મિત્તલને ગયા શનિવારે નવી દિલ્હીમાં બ્રિટિશ હાઇ કમિશ્નરના નિવાસસ્થાન ખાતે આયોજિત વિશેષ સમારોહમાં નાઇટ કમાન્ડર ઓફ ધ મોસ્ટ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (KBE)થી સન્માનિત કરાયા હતા. ભારત અને યુકે વચ્ચેના વેપાર સંબંધોમાં મહત્વના યોગદાન માટે સુનિલ મિત્તલને ઓનરરી નાઇટહૂડથી સન્માનિત કરાયાં હતાં. આભાર વ્યક્ત કરતાં મિત્તલે આ સન્માનને ગૌરવ અને જવાબદારી તરીકે વર્ણવ્યું હતું.
મિત્તલે જણાવ્યું હતું કે, ભારત અને યુકે દ્વિપક્ષીય સંબંધોમાં નોંધપાત્ર ઊંચાઇ હાંસલ કરી રહ્યાં છે ત્યારે આ સન્માન ગૌરવ અને જવાબદારીનો સમન્વય છે. હું ભારત અને યુકે વચ્ચેના વેપાર સંબંધો આગળ ધપાવવા બંને દેશના સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને કામ કરવા પ્રતિબદ્ધ છું. મારી આ મુસાફરીમાં સહાય કરનાર તમામનો હું આભારી છું.
ભારત ખાતેના બ્રિટિશ હાઇ કમિશ્નર લિન્ડી કેમરને મિત્તલને યુકે-ભારત વેપાર ભાગીદારીમાં મહત્વની હસ્તી ગણાવ્યા હતા. બીટી, ગ્લેનઇગલ્સ, નોર્લેક હોસ્પિટાલિટી અને વનવેબ જેવી કંપનીઓમાં તેમના રોકાણને બિરદાવ્યું હતું.
કેમરને જણાવ્યું હતું કે, નામદાર કિંગ વતી સુનિલ ભારતી મિત્તલનું કેબીઇ મેડલથી સન્માન કરતા ખુશી અનુભવું છું. તેમની લીડરશિપે યુકે-ભારત સંબંધોમાં દૂરોગામી અસરો પાડનારી છે. ભારત-યુકે સીઇઓ ફોરમમાં પણ તેમની ભુમિકા મહત્વની છે.