લંડનઃ મેન્સા આઈક્યુ ટેસ્ટમાં જિયા વડુચા પછી વધુ એક ૧૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની અનુષ્કા દીક્ષિતે ૧૬૨ પોઈન્ટનો સર્વોચ્ચ સંભવિત સ્કોર હાંસલ કર્યો છે. લંડનના બાર્કિંગસાઈડની રહેવાસી અનુષ્કાએ સ્ટીફન હોકિંગ અને આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેવા મહાન વિજ્ઞાનીઓ કરતાં પણ બે પોઈન્ટ વધુ મેળવ્યા છે. ‘જિનિયસ’ ગણાવા માટે ૧૪૦નો મેન્સા સ્કોર આવશ્યક રહે છે અને અનુષ્કાનો સ્કોર તેનાથી ઘણો વધુ છે.
અનુષ્કાની ૪૫ વર્ષીય માતા આરતીએ કહ્યું હતું કે તેમનું એકમાત્ર સંતાન હંમેશાં હોંશિયાર છે અને છ મહિનાની વયથી જ તેણે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. અનુષ્કાએ તેની ૧૧ પ્લસ પરીક્ષામાં ઝળહળતી ફતેહ મેળવ્યાં પછી નવા પડકાર તરીકે મેન્સા ટેસ્ટમાં બેસવા દેવાની વિનંતી કરી હતી. અનુષ્કા મેન્સા ટેસ્ટમાં સૌથી નાની વયની પરીક્ષાર્થી હોવાં છતાં, તેણે ૧૬૨ પોઈન્ટનો સર્વોચ્ચ સ્કોર મેળવી બૌદ્ધિક પ્રતિભા તરીકે વિશ્વમાં સર્વોચ્ચ એક ટકાના વર્ગમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અનુષ્કાએ કહ્યું હતું કે, ‘પરીક્ષા ઘણી મુશ્કેલ ન હતી, થોડી જ મુશ્કેલ હતી. સમયનું દબાણ જ મુશ્કેલ હતું. એક પાર્ટમાં ૨૮ પ્રશ્ન માટે માત્ર ચાર મિનિટ હતી. મને બધા માર્ક મળ્યા અને મને તેનો આઘાત પણ લાગ્યો હતો. પરીક્ષા આપ્યા પછી હું રોવાં લાગી હતી કારણકે મેં એક નોન-વર્બલ પ્રશ્નનો ઉત્તર ખોટો આપ્યો હોવાનું લાગ્યું હતું. મારું લક્ષ્ય ૧૬૨ માર્કનું હતું છતાં મને હજું આશ્ચર્ય થાય છે.’ ડાન્સની શોખીન અનુષ્કા કહે છે કે,‘ ઈંગ્લિશ મારો પ્રિય વિષય છે અને મને કવિતા ગમે છે. મને મોટાં થઈને ડોક્ટર બનવાનું ગમશે.
સાડા દસ વર્ષની વય પછીની કોઈ પણ વ્યક્તિ મેન્સા આઈક્યુ ટેસ્ટ આપી શકે છે. અનુષ્કાના સાથી પરીક્ષાર્થીઓ ૩૦-૬૯ વયજૂથના હતા. અનુષ્કાએ હાંસલ કરેલા સ્કોર સાથે હવે તે ‘હાઈ આઈક્યુ સોસાયટી’ તરીકે ઓળખાતા મેન્સા સભ્યપદ માટે લાયક છે. ઉલ્લેખનીય છે કે પિન્નેરવૂડ સ્કૂલની ૧૧ વર્ષીય ભારતીય વિદ્યાર્થિની જિયા વડુચાએ પણ તાજેતરમાં મેન્સા આઈક્યુ ટેસ્ટમાં ૧૬૨ પોઈન્ટનો સ્કોર હાંસલ કર્યો છે.