લંડન
યુકેના ફોરેન ઓફિસ મિનિસ્ટર તારિક એહમદે જણાવ્યું છે કે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓનો ટૂંકસમયમાં પ્રારંભ કરાશે. દક્ષિણ એશિયા માટેના ફોરેન ઓફિસ મિનિસ્ટર તારિક એહમદે જણાવ્યું હતું કે, ભારત સાથેના સંબંધો યુકેની વિદેશ નીતિના કેન્દ્રસ્થાને છે. બ્રિટન વિશ્વના સૌથી મોટા અર્થતંત્રો પૈકીના એક ભારતનો મહત્વનો ભાગીદાર દેશ છે.
બ્રિટનની સંસદમાં તાજેતરમાં જ ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો પર એક પરિસંવાદનું આયોજન કરાયું હતું. આ ચર્ચા બેરોનેસ સેન્ડી વર્મા દ્વારા આયોજિત કરાઇ હતી. તારિક એહમદે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી ઝડપથી વિકાસ પામી રહેલો ભારત બ્રિટનનો મહત્વનો ભાગીદાર દેશ છે. અમે બ્રિટિશ નિકાસકારોને લાભ થાય તે માટે નોન ટેરિફ બેરિયર્સ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યાં છીએ. ભારત સાથેના મુક્ત વેપાર કરારની મંત્રણાઓ ઘણી આગળ વધી ચૂકી છે. લાલ ફીતાશાહીના અંત અને જકાતમાં ઘટાડો યુકેની કંપનીઓનો ભારતમાં વેપાર વધારશે. તેના દ્વારા નવા રોજગાર સર્જાશે અને વિકાસ વધશે.
ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરાર મામલે અત્યાર સુધીમાં ચર્ચાના 6 રાઉન્ડ યોજાઇ ચૂક્યાં છે. 28 અલગ અલગ સેશનમાં 11 પોલિસી મામલાઓમાં સંધિઓ પર ચર્ચા થઇ ચૂકી છે.
લોર્ડ કરન બિલિમોરિયાએ જણાવ્યું હતું કે, રાજકીય નેતાઓએ વડાપ્રધાનને સંભવિત હોય તેટલી ઝડપથી ભારતની મુલાકાત લેવાની અપીલ કરી છે. આજે ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યો છે. ભારત આગામી 25 વર્ષમાં વિશ્વનું સૌથી મોટું બીજું અર્થતંત્ર બનવાનું વિઝન ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયન એક્સપ્રેસ સ્ટેશન છોડીને રવાના થઇ ચૂકી છે. આજે ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપી ટ્રેન છે. બ્રિટને ભારતના ગાઢ મિત્ર અને ભાગીદાર બનવાની જરૂર છે.


