ભારતીય અર્થતંત્ર વિશ્વમાં પાંચમા ક્રમેઃ બ્રિટનનું છઠ્ઠું સ્થાન અને ફ્રાન્સ સાતમા ક્રમે

Wednesday 19th February 2020 04:08 EST
 

નવી દિલ્હી, લંડનઃ ભારતે અર્થવ્યવસ્થાની બાબતે બ્રિટન અને ફ્રાન્સને પાછળ છોડી દીધાં છે. અમેરિકાની થિન્ક ટેન્ક વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુ ૨૦૧૯નો રિપોર્ટ અનુસાર ભારતની જીડીપી ગત વર્ષે ૨.૯૪ લાખ કરોડ ડોલર (૨૦૯ લાખ કરોડ રુપિયા)ના સ્તરે પહોંચી ગઈ છે. બ્રિટન ૨.૮૩ લાખ કરોડ ડોલરની ઈકોનોમી સાથે છઠ્ઠા અને ફ્રાન્સ ૨.૭૧ લાખ કરોડ ડોલરની સાથે ૭મા ક્રમે રહ્યું છે. ૨૦૧૮માં ભારત સાતમા ક્રમે, બ્રિટન પાંચમા અને ફ્રાન્સ છઠ્ઠા ક્રમે હતું.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે જૂની નીતિઓની જગ્યાએ ઓપન માર્કેટ ઈકોનોમીમાં વિકાસ સાધી રહ્યું છે. ભારતમાં ૧૯૯૦ના દશકામાં આર્થિક ઉદારીકરણ શરૂ કરાયું ત્યારે ઈન્ડસ્ટ્રી પર નિયંત્રણ ઓછું કરી વિદેશી વેપાર અને રોકાણમાં પણ છુટ આપવા સાથે સરકારી કંપનીઓનું ખાનગીકરણ શરું થયું હતું. આ કારણોસર ભારતના આર્થિક વિકાસ દરમાં તેજી આવી હતી. વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુના જણાવ્યા મુજબ ભારતનું સર્વિસ સેકટર વિશ્વના સૌથી ઝડપથી વધતા સેકટરોમાંથી એક છે. દેશના અર્થતંત્રમાં તેનું ૬૦ ટકા અને રોજગારમાં ૨૮ ટકા યોગદાન છે. મેન્યુફેકચરિંગ અને એગ્રીકલ્ચર પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે મહત્ત્વનું સેકટર છે.

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યુએ પણ વર્તમાન નાણાંકીય વર્ષ(૨૦૧૯-૨૦)માં ભારતનો જીડીપી ગ્રોથ ૫ ટકા રહેવાની આશા વ્યક્ત કરી છે. જે ૧૧ વર્ષમાં સૌથી ઓછો હશે. ૩૧ જાન્યુઆરીએ રજૂ કરાયેલાં આર્થિક સર્વેક્ષણમાં પણ ૫ ટકા ગ્રોથનું અનુમાન કરાયું હતું. સર્વે અનુસાર ગ્રોથમાં નબળાઈની ભારતને પણ અસર થઈ રહી છે. ફાઈનાન્સિયલ સેકટરની મુશ્કેલીઓને કારણે રોકાણમાં ઘટાડાથી વર્તમાન નાણાંકીય વર્ષમાં ગ્રોથ ઘટ્યો છે. જોકે જેટલો ઘટાડો આવવાનો હતો, તે આવી ચુક્યો છે. અગામી નાણાંકીય વર્ષથી ગ્રોથ વધવાની શકયતા છે. સરકારે ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલર (૩૫૫ લાખ કરોડ રૂપિયા)ની ઈકોનોમી સુધી પહોંચવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter