ભારતીય અર્થશાસ્ત્રી ડો. સ્વાતિ ધીંગરા ટ્રેડ પેનલમાં

Wednesday 07th October 2020 06:52 EDT
 
 

લંડનઃ બ્રેક્ઝિટ પછી અન્ય દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવા તરફ આગળ વધી રહેલા બ્રિટને સ્પર્ધાના સમયમાં વેપારના પ્રકાર અને તેની ટેકનિક્સને વધુ અસરદાર બનાવવા માટે સલાહ આપવા બનાવેલી નિષ્ણાતોની સમિતિમાં લંડનસ્થિત ભારતીય મૂળની અર્થશાસ્ત્રની પ્રોફેસર ડો. સ્વાતિ ધીંગરાનો સમાવેશ કરાયો હતો. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સીસના સહાયક પ્રોફેસર અને દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પૂર્વ વિદ્યાર્થિની ડો. સ્વાતિ ધીંગરા ડિપાર્ટમેન્ટ ફોર ઈન્ટરનેશનલ ટ્રેડ (DIT)ની પાંચ સભ્યોની સમિતિના સભ્ય રહેશે. ધીંગરાએ મોટાભાગે વૈશ્વિકરણ અને ઔદ્યોગિક નીતિઓ પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તેમને કંપનીઓ અને વૈશ્વિકીકરણ માટે તેમના અભ્યાસના માટે યુરોપિયન ટ્રેડ સ્ટડી ગ્રુપ દ્વારા FIW યંગ ઈકોનોમિસ્ટ એવોર્ડ અને ચેર જેક્વિકમ એવોર્ડ પણ અપાયા હતા. તેમના અભ્યાસે પાર્લામેન્ટરી ઈન્ટરનેશનલ ટ્રેડ કમિટી આંતરરાષ્ટ્રીય વેપાર સમિતિ, કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ, ટ્રેઝરી, સોશિયલ એન્ટરપ્રાઈઝ યુકે, ક્રેડિટ સુઈસ અને સંડરલેન્ડ સિટી કાઉન્સિલ જેવી સંસ્થાઓને માહિતી પૂરી પાડી હોવાનું DITએ કહ્યું હતું.

વિભાગે કહ્યું હતું કે તેઓ તેમના વેપાર સમજૂતીઓની સંભવિત અસરો જાણવા સ્વાતિના મોડેલનો ઉપયોગ કરે છે. વેપાર કરારમાં સામેલ તમામ પક્ષો માટે સંભવિત આપસી લાભના વિસ્તારોને વધુ સારી રીતે સમજવા અને વેપાર મંત્રણામાં કઈ બાબતોને પ્રાથમિકતા આપવી તેમ જ કયો નિર્ણય ક્યારે કરવો તે અંગે સ્વાતિ ધીંગરાની સલાહ લેવાતી હતી. ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ઈકોનોમિક્સના પ્રોફેસર ટોની વેનાબ્લેસના વડપણ હેઠળની નિષ્ણાત સમિતિ DITના ચીફ ઈકોનોમિસ્ટને કોવિડ-૧૯ની અસરો સહિત વૈશ્વિક આર્થિક ઘટનાક્રમો, વધી રહેલા સંરક્ષણવાદને આર્થિક અને વેપારી મોડેલિંગમાં કેવી રીતે સમાવી લેવાય તેના વિશે સલાહ આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter