ભારતીય આર્મીને ૧૯૮૪માં SAS સહાય મુદ્દે યુકેએ ઢાંકપિછોડો કર્યો

Wednesday 16th November 2016 06:17 EST
 
 

લંડનઃ ૧૯૮૪ના અમૃતસર હત્યાકાંડના થોડાક જ અઠવાડિયા બાદ યુકે સરકારે ભારતીય લશ્કરને સ્પેશિયલ એર સર્વિસ (SAS)ની મદદ પૂરી પાડવાની યોજના ઘડી હતી તેમ શીખ ફેડરેશન (યુકે)એ મેળવેલા નવા પૂરાવામાં જાણવા મળ્યું છે. ડેવિડ કેમરનના આદેશથી આ હકીકત ૨૦૧૪માં સત્તાવાર રિવ્યુમાંથી દૂર કરાઈ હતી. યુકે નેશનલ આર્કાઈવ્સમાંથી મેળવાયેલા આ નવા પુરાવા બાદ વકીલોએ શીખ ઈતિહાસના કાળા પ્રકરણો પૈકીના એકમાં બ્રિટનની ભૂમિકાની સ્વતંત્ર તપાસની હોમ સેક્રેટરી એમ્બર રડ સમક્ષ લેખિત માગણી કરી છે.

આ પુરાવો મળ્યા બાદ ફોરેન ઓફિસે યુકે નેશનલ આર્કાઈવ્સમાંથી ભારત વિશેની ૧૯૮૪ની ડઝનબંધ ફાઈલો દૂર કરી દીધી છે. શીખ ફેડરેશન (યુકે) વતી વકીલોએ પત્રમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરી, ૨૦૧૪માં કેબિનેટ સેક્રેટરી સર જેરેમી હેવુડે કરેલી સમીક્ષા અપૂરતી હતી અને સંસદને તેમના ખોટા તારણોથી ગેરમાર્ગે દોરવામાં આવી હતી. હેવુડ રિવ્યુમાં દાવો કરાયો હતો કે યુકેએ જૂન ૧૯૮૪ના હત્યાકાંડ અગાઉ ૧૯૮૪ની શરૂઆતમાં ભારતને હરમીન્દર સાહિબ સંકુલ (ગોલ્ડન ટેમ્પલ)ની એક SAS અધિકારી દ્વારા નિરીક્ષણ સાથે ‘મર્યાદિત’ લશ્કરી સલાહ આપી હતી.

જોકે, નવા પુરાવા મુજબ આંતરિક સુરક્ષાની ફરજ બજાવવા માટે નેશનલ ગાર્ડની રચનામાં લશ્કરી સહાય પૂરી પાડવા માટે ભારત તરફથી બ્રિટિશ સરકારને જુલાઈ,૧૯૮૪ પહેલા વિનંતી મળી હતી. ત્યાર બાદ યુકે વિદેશ વિભાગે SASને સામેલ કરવાની શક્યતા પર વિચારણા કરી હતી. આ પછીના પત્રવ્યવહારને સેન્સર કરી દેવાયો છે અને FCOએ ‘ઈન્ડિયન નેશનલ સિક્યુરિટી ગાર્ડ’ ટાઈટલની ૧૯૮૪ની એક ફાઈલ તેની પાસે રાખી લીધી છે.

ઓપરેશન બ્લૂ સ્ટાર બાદ તરત જ ખાનગી ચર્ચાવિચારણા થઈ હતી. આ હત્યાકાંડમાં હજારો શીખ યાત્રાળુઓ માર્યા ગયા હતા. તેની સાથેના ઓપરેશન વુડરોઝ અંતર્ગત પંજાબના દરેક શહેરો અને ગામમાં ખાસ કરીને ૧૫થી ૩૫ની વયના શીખ લોકો સામે સખત કાર્યવાહી કરવામાં આવી હતી જે અત્યાર સુધી ચાલુ જ છે. ભારતમાં નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની રચના જુલાઈ, ૧૯૮૪માં થઈ હતી. તેની સત્તાવાર વેબસાઈટ પર જણાવાયું છે,‘ NSGની રચના SASની પેટર્ન પર કરવામાં આવી છે.’ આ યુનિટે ૧૯૮૬ અને ૧૯૮૮માં હરમીન્દર સાહિબ સંકુલ પર વધુ હુમલા સાથેના ઓપરેશન બ્લેક થન્ડર I અને II નું નેતૃત્વ કર્યું હતું.

શીખ ફેડરેશન (યુકે)ના અધ્યક્ષ ભાઈ અમરિકસિંહના પત્રમાં જણાવાયું છે કે,‘વર્તમાન બ્રિટિશ સરકાર આ પ્રકરણમાં નિષ્કલંક બહાર આવે તે જરૂરી છે. તેની પ્રતિષ્ઠા માર્ગારેટ થેચર અને ઈન્દિરા ગાંધી વચ્ચેના ખાસ ‘ઘાતકી’ સંબંધોથી ખરડાય નહિ તે જોવુ જોઈએ. અમે આશા રાખીએ છીએ કે વડા પ્રધાન થેરેસા મે હિંમત દાખવીને ૧૯૮૦ના દાયકામાં ભારતીય સત્તાવાળાને અપાયેલી લશ્કરી અને અન્ય સહાયની સંપૂર્ણ હકીકત બ્રિટિશ પ્રજા અને સંસદ સમક્ષ મૂકશે. આ સહાયનો ઉપયોગ શીખ લઘુમતીને લક્ષ્ય બનાવવા કરાયો હતો.’ ધ બ્રિટિશ શીખ એસોસિયેશનના ચેરમેન ડો. રેમી રેન્જર CBEએ કહ્યું હતું કે, ‘ભારતીય લશ્કર દ્વારા સૌથી પવિત્ર ધર્મસ્થળ પર હુમલો કરાવવાનો તત્કાલીન ભારત સરકારનો નિર્ણય પોતાના જ નાગરિકો વિરુદ્ધ અસાધારણ અને કાયર પગલું હતું. બીજી ગંભીર ભૂલ ભારતના જ લોકો પર દમન કેવી રીતે આચરી શકાય તેવી સલાહ વિભાજન માટે જવાબદાર બ્રિટન જેવા વિદેશી દેશ પાસે માગવાની હતી.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter