ભારતીય ઉદ્યોગપતિ સુનિલ મિત્તલને માનદ નાઇટહૂડનો ખિતાબ એનાયત

બંને દેશ વચ્ચેના સંબંધ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છુઃ સુનિલ મિત્તલ

Tuesday 05th March 2024 11:10 EST
 
 

લંડનઃ ભારતી એન્ટરપ્રાઇઝના સંસ્થાપક અને ચેરમેન સુનિલ મિત્તલને કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા માનદ નાઇટહૂડનો ખિતાબ અપાયો છે. તેઓ કિંગ ચાર્લ્સ દ્વારા અપાતો નાઇટહૂડનો ખિતાબ હાંસલ કરનારા પ્રથમ ભારતીય નાગરિક બન્યાં છે. ભારત અને યુકે વચ્ચેના વેપાર સંબંધોમાં યોગદાન માટે સુનિલ મિત્તલને આ બહુમાનથી સન્માનિત કરાયા છે.

યુકે કેબિનેટ દ્વારા જાહેર કરાયેલી ઓનરરી બ્રિટિશ એવોર્ડની યાદીમાં સુનિલ મિત્તલને કેબીઇનો ખિતાબ અપાયો છે. સુનિલ મિત્તલે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ દ્વારા અપાયેલા આ સન્માનથી હું ઘણો ગદગદ થયો છું, ભારત અને યુકે વચ્ચે ઐતિહાસિક સંબંધ રહ્યાં છે અને આ સંબંધ હવે સહકાર અને ભાગીદારીના નવા યુગમાં પ્રવેશ્યાં છે. હું બંને દેશ વચ્ચેના આર્થિક અને દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છું.

કેબીઇનો ખિતાબ કોઇપણ ક્ષેત્રમાં અદ્વિતિય યોગદાન માટે વિદેશી નાગરિકને અપાય છે. બ્રિટિશ નાગરિકને નાઇટહૂડ અપાય તો તેમને સર અથવા ડેમથી સંબોધન કરાય છે પરંતુ વિદેશી નાગરિકના નામ પાછળ કેબીઇ કે ડીબીઇ લખવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter