લંડનઃ શસ્ત્રોની દાણચોરીના આરોપમાં ૨૦૧૩માં પાંચ વર્ષની સજા કરાયેલા છ પૂર્વ બ્રિટિશ સૈનિકો- નિક ડૂન (એશિંગ્ટન), રે ટિન્ડાલ (ચેસ્ટર), પોલ ટાવર્સ (યોર્કશાયર), જ્હોન આર્મસ્ટ્રોંગ (વિગ્ટન,કમ્બ્રીઆ), બિલી ઈર્વિંગ (કોનેલ,આર્ગીલ), અને નિકોલસ સિમ્પસન (કેટરિક, નોર્થ યોર્કશાયર)એ ભારતીય જેલમાંથી મુક્ત કરાવવા બ્રિટિશ સરકારને વિનંતી કરી છે. આ સૈનિકોએ તેઓ નિર્દોષ હોવાનું અને જેલમાં ‘માનસિક અત્યાચાર’ કરાતો હોવાનું જણાવ્યું છે. તેમને મુક્ત કરાવવાની પિટિશનમાં ૩૭૫,૦૦૦થી વધુ લોકોએ સહી કરી છે અને કાનૂની સહાય માટે ૩૬,૦૦૦ પાઉન્ડ એકત્ર કરાયા છે.
પૂર્વ પેરાટ્રુપર્સ સોમાલી ચાંચિયાઓથી જહાજોને રક્ષણ આપતી અમેરિકી મેરીટાઈમ કંપની એડવાન્ફોર્ટ સાથે ભાડૂતી રક્ષકો તરીકે કામગીરી બજાવતા હતા. આ સૈનિકો ૩૫ કર્મચારી સાથેના જહાજ MV Seaman Guard Ohioને ચાંચિયાવિરોધી રક્ષણ આપી રહ્યા હતા ત્યારે ઓક્ટોબર ૨૦૧૩માં ભારતીય જળસીમામાં પ્રવેશ્યા પછી તેમની પાસે શસ્ત્રો મલી આવતા ધરપકડ કરાઈ હતી. તેમને જેહાદીઓને શસ્ત્રો પહોંચાડવાના આરોપમાં પાંચ વર્ષની સજા કરવામાં આવી હતી. તેમના પરિવારજનો અને બ્રિટિશ રાજકારણીઓએ આ સજાને અન્યાયી ગણાવી હતી.
ભારતના ચેન્નાઈની જેલમાં ગુપ્ત ઈન્ટર્વ્યૂ દરમિયાન નિક ડૂને તેઓની મુક્તિમાં મદદની માગણી કરી કહ્યું હતું કે ‘અમારી લશ્કરી તાલીમથી જ ટકી રહ્યા છીએ, નહિ તો ક્યારના ગાંડા થઈ ગયા હોત. તમે જે ગુનો કર્યો ન હોય તેના માટે સજા કાપવી એ માનસિક અત્યાચાર છે. અમે સેવારત હતા ત્યારે ક્વીન અને સરકારની સાથે ઉભા હતા, હવે સરકારે અમારી સાથે ઉભા રહેવાની જરૂર છે.’ આ સૈનિકો તેમના ઘર-પરિવાર અને બાળકોથી અલગ થઈ ગયા છે.