લંડનઃ ભારતની તપાસ સંસ્થા એનઆઇએ દ્વારા યુકે, અમેરિકા અને કેનેડામાં ભારતીય દૂતાવાસો પર કરાયેલા હુમલામાં સંડોવાયેલા 43 શંકાસ્પદોની ઓળખ કરી લેવાઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્રાઉડ સોર્સિંગ એપ્રોચની મદદથી આ તમામ શંકાસ્પદોની ઓળખ કરાઇ છે. જૂન 2023માં ભારતના ગૃહ મંત્રાલયના આદેશથી એનઆઇએએ યુકે, અમેરિકા અને કેનેડામાં ભારતીય રાજદ્વારી મિશનો પર કરાયેલા હુમલાની તપાસ હાથ ધરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલામાં ભારતમાં 50 કરતાં વધુ દરોડા પડાયાં હતાં અને 80 જેટલા લોકોની પૂછપરછ કરાઇ હતી.
ખાંડાના મોતની સ્વતંત્ર તપાસ કરાવવા પરિવારની માગ
ભારત દ્વારા ખાલિસ્તાની આતંકવાદી જાહેર કરાયેલા અવતાર સિંહ ખાંડાના પરિવારે જૂન 2023માં ખાંડાના અચાનક મૃત્યુના સંદર્ભમાં સ્વતંત્ર તપાસની માગ કરી છે. ખાંડા પરિવારના વકીલ માઇકલ પોલાકે જણાવ્યું છે કે બ્રિટિશ શિખ સમુદાયમાં એવો ભય છે કે તેમને ભારત દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. સમુદાયમાં ચિંતા છે કે તેમની સુરક્ષા અને અધિકારોનું રાજકીય ફાયદા માટે બલિદાન આપવામાં આવી શકે છે. હોમ ઓફિસ ખાંડા મામલામાં સ્વતંત્ર તપાસના આદેશ આપશે તો શિખ સમુદાયના ભય અને ચિંતા દૂર કરવામાં મદદ મળી રહેશે.
જોકે હોમ ઓફિસે આ મામલામાં કોઇપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. અવતાર ખાંડાનું બ્લડ કેન્સરના કારણે 15 જૂન 2023ના રોજ બર્મિંગહામ હોસ્પિટલમાં મોત થયું હતું. 35 વર્ષીય ખાંડા ભારતમાં અલગ શિખ રાષ્ટ્ર ખાલિસ્તાનની રચનાનો હિમાયતી રહ્યો હતો.

