હિન્દુ કેલેન્ડર કે પંચાંગ અનુસાર વિક્રમ સંવત ૨૦૭૧નું સમાપન ૧૧ નવેમ્બર, ૨૦૧૫ના રોજ દિવાળીના દિવસે થશે. ઈન્ડિક અથવા તો ભારતીય ધર્મો (હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ) માટે વર્ષના આખરી ચાર મહિના ‘ચાતુર્માસ’ તરીકે ઓળખાય છે અને અનેક ઉત્સવો સાથે ઘણા પાવનકારી મનાય છે. હિન્દુઓ માટે શ્રાવણ મહિનો, રક્ષાબંધન, દુર્ગા પૂજા, નવરાત્રિ, જૈનો માટે પર્યુષણ, શીખો માટે ગુરુ નાનક જયંતી તેમજ બૌદ્ધો માટે પણ ઘણા શુભ ઉત્સવો આવે છે. દિવાળી તો બધાં જ ભારતીય ધર્મો માટે વિશિષ્ટ ઉત્સવ છે.
આ ચાર ધર્મોના અનુયાયી હોય તેવા આશરે ૧૫ લાખ લોકોએ બ્રિટનને પોતાનું ઘર બનાવ્યું છે. અન્યોની સરખામણીએ ભારતીય વિદ્યાર્થીઓ અનેક પડકારો હોવાં છતાં ઘણો સારો દેખાવ કરી રહ્યા છે. વ્યવસાયો અને એન્ટ્રેપ્રીન્યોરશિપ, કળા અને સંસ્કૃતિમાં પણ બ્રિટિશ ભારતીયો અન્ય લોકોની સમકક્ષ છે. ભારતીયોની સૌથી મહત્ત્વપૂર્ણ રચનાત્મક સિદ્ધિ એ છે કે તેઓ શાંતિપ્રિય છે અને તેમની વફાદારી શંકાથી પર છે. આવી અનોખી વિશેષતા કેવી રીતે પ્રાપ્ત થઈ હશે? યહુદી કોમના પૂર્વ મુખ્ય રબિએ ધ ટાઈમ્સમાં વિચારપ્રેરક લેખ લખ્યો છે. તેમણે ભારપૂર્વક દલીલ કરી છે કે ધર્મ આપણને વિભાજીત કરતો નથી કે ભયંકર પરિસ્થિતિઓ સર્જતો નથી. ભિન્ન પશ્ચાભૂ સાથેના લોકો કદાચ શાંતિ અને સંવાદિતા સાથે સહઅસ્તિત્વ ધરાવે છે, આસ્થાનું પ્રાધાન્ય વિશેષ લાભકારી બની રહે છે. આસ્થાની ભારતીય પરંપરાઓમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જણાય છે.
તમામને એક સાંકળે જોડી રાખતો સિદ્ધાંત એ છે કે ઈશ્વર એક જ છે અને માનવીઓ તેને અલગ અલગ નામથી ઓળખાવે છે. આપણા શાસ્ત્રો તો એટલે સુધી કહે છે ‘વસુધૈવ કુટુમ્બકમ’ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર છે. આટલી મોટી સંખ્યામાં મંદિરો, ગુરુદ્વારા, દેરાસર અને મઠ તેમના સંદેશાને આબાલવૃદ્ધ અને તમામ જાતિઓમાં પ્રસરાવી રહ્યા છે.
હું માત્ર ઓગસ્ટ મહિનામાં જ આવતાં કેટલાંક મહત્ત્વની ઊજવણીઓનો ઉલ્લેખ કરું છુંઃ
(૧) નીસડન સ્વામીનારાયણ હિન્દુ ટેમ્પલનું ૨૦ વર્ષ અગાઉ ઉદ્ઘાટન થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટમાં તેનો ઉલ્લેખ વિશ્વની આઠમી અજાયબી તરીકે કરાયો હતો. BAPS યુકે અને અન્ય દેશોમાં અગ્રેસર હિન્દુ મિશન છે. આ ઐતિહાસિક સીમાચિહ્નની ઉજવણી કરવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. હજારો વર્ષ પ્રાચીન ભારતીય સ્થાપત્યકળાના આધારે નિર્માણ કરાયેલું આ મંદિર અતિ સુંદર હોવા સાથે યુરોપમાં સૌથી મોટું હિન્દુ મંદિર છે.
(૨) પ્રેસ્ટનમાં હિન્દુ સમુદાયના ૬૦૦ જેટલા પરિવાર વસે છે. અહીં રાધા કૃષ્ણની પ્રાણ પ્રતિષ્ઠાને ૪૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી હિન્દુ પરિવારો કરી રહ્યા છે.
(૩) ૨૫,૦૦૦ સભ્યો સાથેનું ઓશવાળ એસોસિયેશન પોટર્સ બાર ખાતે યુરોપમાં પ્રથમ શિખરબદ્ધ જૈન મંદિરની ૧૦મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે.
ઘણાં ગુરુદ્વારા તેમજ હિન્દુ ધાર્મિક સ્થળો દ્વારા જરુરિયાતમંદ યુવાન અને વૃદ્ધ અનુયાયીઓ તથા અન્ય મિત્રોને સેવા પૂરી પાડી રહ્યા છે. હું માનું છું કે આવી પ્રખ્યાત સંસ્થાઓ દ્વારા આવા સંપ્રદાય-પંથોના ઉપદેશોએ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓને જાળવી રાખવામાં મદદ કરી છે, જેના થકી આપણે બ્રિટિશ સમાજના મૂલ્યવાન સભ્યો બની શક્યા છીએ. આ સંસ્કૃતિ અને પરંપરાઓ અમર રહે.
(એશિયન વોઈસમાં પ્રકાશિત ‘As I see It’ કોલમનો ભાવાનુવાદ)

